અમરેલી:
અમરેલી શહેરમાં દિન-પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે અમરેલી પોલીસ દ્વારા એક સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઇન-ચાર્જ પોલીસ વડા (ASP) શ્રી જયવીર ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રાજકમલ ચોક વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા વિશેષ ‘ફૂટ પેટ્રોલીંગ’ (પગપાળા પેટ્રોલિંગ) યોજવામાં આવ્યું હતું. અમરેલી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કુવાડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફે રસ્તા પર ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાની જાત-માહિતી મેળવી હતી.
આ ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસે રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરનારા ચાલકો સામે લાલ આંખ કરી કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફૂટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ દુકાનોની બહાર સામાન રાખીને જાહેર રસ્તો રોકતા સ્થાનિક વેપારીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમજ ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા નમ્ર અપીલ કરી હતી.
પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, અમરેલીના નાગરિકોની સુવિધા અને સુરક્ષા પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે આકસ્મિક ફૂટ પેટ્રોલીંગ અને ટ્રાફિક ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. અમરેલી પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીને પગલે રાજકમલ ચોક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત જોવા મળી હતી, જેને સ્થાનિક રહીશો અને વેપારીઓએ મુક્તકંઠે આવકારી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા


