લખનૌ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાનમાં આવેલા પલટાએ ભયાનક વિનાશ વેર્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓમાં આવેલા ભીષણ તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ અનેક હસતા-રમતા પરિવારોને પાયમાલ કરી દીધા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ આકાશી આફત માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ મૂંગા પશુઓ પર પણ કહેર બનીને તૂટી પડી છે, જેમાં ૧૭૦ જેટલા પશુઓના કમકમાટીભર્યા મોત થયા છે.
પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ તબાહી: આ કુદરતી પ્રકોપનું કેન્દ્રબિંદુ પ્રયાગરાજ અને ભદોહી જિલ્લા રહ્યા છે. પ્રયાગરાજમાં અલગ-અલગ ઘટનાઓમાં સૌથી વધુ ૨૧ લોકોના મોત નિપજ્યા છે, જેમાં મોટાભાગની ઘટનાઓ વીજળી પડવાની અને કાચા મકાનો ધરાશાયી થવાની હતી. એવી જ રીતે ભદોહીમાં ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેજ પવન અને વાવાઝોડાને કારણે હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઘટનાઓની ગંભીરતા અને જાનહાનિ: ફતેહપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પણ તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફતેહપુરમાં દીવાલ પડવાની ઘટનાઓમાં ૧૧ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે પ્રતાપગઢમાં વીજળી પડવાથી અને સિમેન્ટના પતરા નીચે દબાઈ જવાથી ૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કાનપુર દેહાત, દેવરિયા અને સોનભદ્ર જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટનાઓએ જાનહાનિ કરી છે. રાજ્યભરમાં કુલ ૨૨૭ મકાનોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સેંકડો લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે.
સરકાર દ્વારા રાહત અને વળતરની જાહેરાત: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને આદેશ આપ્યા છે કે અસરગ્રસ્ત પરિવારોને ૨૪ કલાકની અંદર નિર્ધારિત આર્થિક સહાય પહોંચાડવામાં આવે. ખેતી અને પશુપાલનને થયેલા નુકસાન માટે મહેસૂલ અને કૃષિ વિભાગને યુદ્ધના ધોરણે સર્વે કરવા જણાવાયું છે. સરકાર દ્વારા વીમા કંપનીઓ સાથે સંકલન સાધીને ખેડૂતોને તેમના પાકનું વળતર વહેલી તકે મળે તેવી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
