મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી જિલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી સંભવિત જળસંકટની સ્થિતિને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ બી. કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત.
- અત્યારથી જ કૂવા અને બોરના જળસ્તર ઊંડા જતાં ભરશિયાળામાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર ખેંચ ઊભી થવાની ભીતિ.
- અમરેલી, ધારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, લાઠી, બાબરા અને કુંકાવાવ સહિતના તાલુકાઓના ચેકડેમો, તળાવો અને નદીઓમાં સૌની યોજનાનું પાણી છોડવા માંગ.
- કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પણ પત્રની નકલ મોકલી કરાઈ સત્વરે કાર્યવાહીની અપીલ.
નહિવત વરસાદને કારણે સર્જાઈ શકે છે જળસંકટ: મુખ્યમંત્રીને પત્ર
અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન ખૂબ જ અલ્પ અને નહિવત વરસાદ નોંધાતા આગામી દિવસોમાં જળસંકટની ગંભીર સ્થિતિ સર્જાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ બી. કાનાણી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્ર પાઠવીને જિલ્લાના ચેકડેમો અને તળાવોમાં તાત્કાલિક અસરથી ‘સૌની યોજના’ અંતર્ગત પાણી છોડવા માટે અસરકારક રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ઓછા વરસાદના કારણે ખેતીવાડી તેમજ પીવાના પાણીના સ્ત્રોત એવા બોર અને કૂવાના તળ અત્યારથી જ ઊંડા જવા લાગ્યા છે. જો સમયસર જળસંગ્રહ નહીં થાય તો ઉનાળા પહેલાં જ ભરશિયાળામાં ખેડૂતો અને ગ્રામજનોને પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓના ચેકડેમો, તળાવો અને નદીઓમાં પાણી ભરવા માંગ
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેમજ શિયાળુ પાક અને ખેતીવાડીને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં ધારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, લાઠી, અમરેલી, બાબરા અને કુંકાવાવ સહિતના તમામ તાલુકાઓમાં આવેલા ચેકડેમો, તળાવો અને નદીઓના વહેણમાં વહેલી તકે સૌની યોજનાનું પાણી છોડવા માટે ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે, જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે અને લોકોને રાહત મળે.
સંબંધિત મંત્રીશ્રીઓને પણ પત્રની નકલ રવાના કરી સત્વરે નિર્ણય લેવા અપીલ
આ જનહિત અને ખેડૂતલક્ષી બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તે માટે મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય સંબંધિત વિભાગના મંત્રીઓને પણ પત્રની નકલ રવાના કરવામાં આવી છે. જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પત્ર પાઠવીને અમરેલી જિલ્લાના હિતમાં ઝડપથી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ વાઘેલા
