મુખ્ય હાઇલાઇટ્સ:
- લાઠી તાલુકાના દુધાળા ગામની સરકારી ગૌચર જમીન પર ધોળકિયા ફાઉન્ડેશન અને ‘હેતની હવેલી’ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયાનો ગંભીર આક્ષેપ.
- સી.સી. રોડ, ડામર રોડ, પાકા દરવાજા, તાર ફેન્સિંગ અને તળાવ જેવા ખોદકામ કરી જમીન પચાવી પાડ્યાની રજૂઆત.
- આગામી ૨૫ નવેમ્બર સુધીમાં ગૌચરની જમીનની માપણી કરી દબાણ દૂર ન કરાય તો ૨૬ નવેમ્બરે કલેક્ટર કચેરી સમક્ષ અર્ધનગ્ન ઉપવાસ આંદોલનની ચીમકી.
- માલધારીઓ, ખેડૂતો અને સામાજિક કાર્યકરોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની નાથાલાલ સુખડિયા દ્વારા આપવામાં આવી ચેતવણી.
દુધાળા ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા ઉગ્ર માંગ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે આવેલી સરકારી ગૌચરની કિંમતી જમીન પર ધોળકિયા ફાઉન્ડેશન સુરત અને ‘હેતની હવેલી’ના સંચાલકો દ્વારા અનઅધિકૃત અને ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. દેવભૂમિ દેવળીયા ગામના નાથાલાલ વલ્લભભાઈ સુખડિયા દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે, દુધાળા ગામના સર્વે નંબર ૧૪૦/૧ અ અને સર્વે નંબર ૧૪૦/૧ બ ની કુલ હેક્ટર જમીન પર ગૌચરના હકો છીનવીને પકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. આ ગૌચર જમીન પર સી.સી. રોડ, ડામર રોડ, મોટા મોટા હોર્ડિંગ્સ, પાકા ગેટ તેમજ ગેરકાયદેસર ઉંડા ખોદકામ કરીને તળાવનું સ્વરૂપ આપી દેવાયું છે અને ફરતે તાર ફેન્સિંગ મારીને જમીન પર કબ્જો જમાવી દેવાયો છે.
પશુઓના ચારા અને પાણીના અધિકાર પર તરાપ માર્યાનો આક્ષેપ
આરોપ લગાવવામાં આવ્યો છે કે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ‘હેતની હવેલી’ને જોડતા ગેરકાયદેસર રસ્તાઓ અને દબાણો ઊભા કરીને કાયદાની પરવા કર્યા વગર ગૌચરની આ વિશાળ જમીનને નષ્ટ કરી દેવામાં આવી છે. આ જમીન પર સંપૂર્ણપણે ગામના મૂંગા પશુઓ અને માલઢોરને ચરાવવા માટેના હકો લાગુ પડે છે, પરંતુ સઘન દબાણો અને કાંટાવાળી ફેન્સિંગના કારણે હવે પશુઓને પીવા માટેના પાણીનો કે ચારાનો અધિકાર પણ રહ્યો નથી. સામાન્ય નાગરિક દ્વારા દબાણ કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ કેસમાં ઉચ્ચ કક્ષાની લાગવગ અને પ્રભાવના કારણે મામલો દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
૨૬ નવેમ્બરથી કલેક્ટર કચેરી સમક્ષ અર્ધનગ્ન ઉપવાસ આંદોલનની ચીમકી
આ ગંભીર પ્રશ્ને અગાઉ પણ પ્રેસ મીડિયા અને ન્યુઝ ચેનલો દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે કલેક્ટર તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો આગામી તારીખ ૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં ગૌચર જમીનની માપણી કરીને હદ નિશાન નક્કી કરી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે, તો તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ કલેક્ટર કચેરી સમક્ષ માલધારીઓ, ખેડૂતો અને જાહેર સામાજીક કાર્યકરો સાથે મળીને અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ પર બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થશે તો તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
