મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી લાઠી રોડ સ્થિત શ્રીજી-૧ રેસિડેન્સીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ઇસમો પર સીટી પોલીસના દરોડા.
- નવનિયુક્ત સીટી પીઆઈ આર.આર. પરમારની રાહબરી હેઠળ હાથ ધરાયેલી આ દબંગ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં મચી ગયો ફફડાટ.
- સ્થળ પરથી રોકડ રૂ. ૬૦,૨૩૦, અલગ-અલગ કંપનીના ૧૩ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧,૦૩,૨૦૦) અને ગંજીપત્તા મળી કુલ રૂ. ૧,૬૩,૪૩૦ નો મુદ્દામાલ જપ્ત.
- સમાજમાં પ્રતિષ્ઠાનો મુખવટો પહેરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૧૨ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધોરણસર કાર્યવાહી.
નવનિયુક્ત સીટી પીઆઈ આર.આર. પરમારની ધમાકેદાર એન્ટ્રી: પોશ સોસાયટીમાં જુગારધામ ઝડપાયું
અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે નવનિયુક્ત અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમાર દ્વારા ચાર્જ સંભાળતા જ અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી બાતમીના આધારે લાઠી રોડ પર આવેલ ધરમનગર પાછળની શ્રીજી-૧ રેસિડેન્સીમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોશ વિસ્તાર ગણાતી આ સોસાયટીમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો બેફામ બનીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તિનપતીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસની આ અણધારી અને ઝડપી એન્ટ્રીથી જુગારની બાજી વચ્ચે જ ખેલાડીઓની મહેફિલ પર પાણી ફરી વળ્યું હતું અને સોસાયટીમાં ભારે હલચલ મચી ગઈ હતી.
રૂ. ૧.૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; ૧૨ શખ્સો રંગેહાથ ઝડપાયયા
પોલીસની આ સફળ રેડ દરમિયાન જુગાર રમતા કુલ ૧૨ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી અને પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડ રકમ રૂ. ૬૦,૨૩૦, વિવિધ કંપનીના ૧૩ નંગ એન્ડ્રોઇડ તથા કીપેડ મોબાઈલ ફોન (જેની કિંમત રૂ. ૧,૦૩,૨૦૦ થાય છે) તેમજ ગંજીપત્તાના પાના કબ્જે કર્યા હતા. આમ, પોલીસે કુલ રૂ. ૧,૬૩,૪૩૦ નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ૧૨ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. આ મામલે પકડાયેલા આરોપીઓમાં મનીષભાઇ શાંતિલાલભાઇ મહેતા, દેવ જીગ્નેશભાઇ મહેતા, ભાવેશભાઇ હસમુખરાય રાઠોડ, દીપકભાઇ મથુરભાઇ વસાણી, દીપકભાઇ વિરજીભાઇ આંકોલીયા (પટેલ), જયંતીભાઇ પરબતભાઇ મકવાણા, સંજયભાઇ કાંતીભાઇ જેઠવા, રફીકભાઇ જમાલભાઇ પરમાર, હિરેનભાઇ જગુભાઇ પંડ્યા, પ્રદીપભાઇ બળવંતરાય બોસમીયા, કિશોરભાઇ મનુભાઇ સાવલીયા અને કિરીટભાઇ ભોગીલાલ છાંટબારનો સમાવેશ થાય છે.
સમાજમાં પ્રતિષ્ઠાનો મુખવટો પહેરીને જુગાર રમતા તત્વો પોલીસના સકંજામાં
આ બનાવ અંગે શહેરમાં એવી ચર્ચાઓ જોર પકડી છે કે સમાજમાં માન-મર્યાદા, ઉચ્ચ પ્રતિષ્ઠા અને ભદ્ર વર્ગના દેખાવ કરતા લોકો જો અંધારામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા પકડાય તો તે અત્યંત શરમજનક છે. ઘરની બહાર ઈજ્જતનો વટ અને અંદર જુગારની પટ્ટી જેવી બેવડી માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસની આ લાલ આંખ આવકારદાયક બની રહી છે. પીઆઈ આર.આર. પરમારની આ શરૂઆતની કડક કામગીરીથી અમરેલી શહેરમાં જુગારધામો ચલાવનારાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક નાગરિકોની પણ હવે એવી જ અપેક્ષા છે કે કાયદાનું શાસન જાળવી રાખવા માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ ઝુંબેશ સતાત જારી રહે, કારણ કે અમરેલીમાં હવે ગુનાખોરી નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા જ ચાલશે.
અહેવાલ મહેશભાઈ જળું
