મુખ્ય હાઇલાઇટ્સ:
- જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે મંદિરની દાનપેટી ચોરીનો અણઉકેલાયેલ ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલતી અમરેલી એલસીબી (LCB) ટીમ.
- વઢેરા ગામના જ વરૂડી માતાના મંદિર પાસે રહેતા ૨૫ વર્ષીય ભરત અરજણભાઈ બાંભણીયા નામના આરોપીની ધડપકડ.
- રોકડા રૂપિયા ૨,૧૦૦ અને દાનપેટી સહિત કુલ રૂપિયા ૩,૧૦૦ નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત.
- ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી અને અમરેલી પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ સફળ કામગીરી.
રેન્જ આઈજી અને પોલીસ વડાની સૂચનાથી એલસીબી એક્શનમાં
ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ (અણઉકેલાયેલા) ગુનાઓ ત્વરિત ડીટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના બનાવ બનતા અટકાવવા, આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અમરેલી એલસીબી (LCB) ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દાનપેટી અને રોકડ રકમ સાથે આરોપી ઝડપાયો
અમરેલી એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ એલસીબી ટીમે જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે મંદિરની દાનપેટી ચોરી અંગે સઘન તપાસ અને તપાસચક્ર ગતિમાન કર્યું હતું. બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે એલસીબી ટીમે ચોરી કરનાર ઈસમને ચોરાયેલી દાનપેટી તથા રોકડ રકમ સાથે પકડી પાડ્યો હતો. આ સફળ કામગીરીથી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરવામાં એલસીબી ટીમને મોટી સફળતા મળી છે.
ઝડપાયેલ આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત
પોલીસે પકડી પાડેલા આરોપીનું નામ ભરતભાઈ અરજણભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ ૨૫, રહે. વઢેરા, વરૂડી માતાના મંદિર પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી) છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી રોકડા રૂપિયા ૨,૧૦૦ તથા એક દાનપેટી (કિંમત રૂપિયા ૧,૦૦૦) મળીને કુલ રૂપિયા ૩,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તા. ૨૯/૧૦/૨૦૨૬ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં વઢેરા ગામે દરિયાકાંઠે આવેલ કમલેશભાઈ વંશની વાડી પાસે દાનપેટી જોતાં તેની ચોરી કરી હતી. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજિસ્ટર થયેલ છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા, એએસઆઈ બહાદુરભાઈ વાળા, હેડ કોન્સ્ટેબલ જનકભાઈ હીમાસીયા, લીલેશભાઈ બાબરીયા, ગોકુલભાઈ કળોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
