મુખ્ય હાઇલાઇટ્સ:
- ૨૭ ઑક્ટોબર, ૨૦૨૬ ના રોજ ગણપત યુનિવર્સિટી ખાતે ‘કાન્તાબેન કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ એન્ડ રિસર્ચ’ના નૂતન ભવનનું ઉદ્ઘાટન.
- અમેરિકામાં વસતા ભારતીય દંપતી કાશીરામભાઈ પટેલ અને કાન્તાબેન પટેલ દ્વારા ૧૧,૪૫૦ ચોરસ મીટરમાં નિર્મિત ભવન માટે રૂ. ૫ કરોડનું ઉદાર દાન.
- પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલ (દાદા) ની વિશેષ પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત પૂજાવિધિ સાથે સમારોહ સંપન્ન.
- કૃષિ શિક્ષણ, સંશોધન, નવીનતા અને ટકાઉ વિકાસ ક્ષેત્રે ઉત્તર ગુજરાતના કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ સીમાચિહ્ન.
ગણપત યુનિવર્સિટી ખાતે કાન્તાબેન કાશીરામ કૃષિ ભવનનું ભવ્ય લોકાર્પણ
ઉત્તર ગુજરાતની ખ્યાતનામ ગણપત યુનિવર્સિટી ખાતે ૨૭ ઑક્ટોબર, ૨૦૨૬ ના રોજ કૃષિ શિક્ષણ અને સંશોધનને નવી ઊંચાઈએ લઈ જતા ‘કાન્તાબેન કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ એન્ડ રિસર્ચ’ ના અત્યાધુનિક નવા ભવનનું દબદબાભેર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઊંઝાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહ કૃષિ શિક્ષણ, સંશોધન, નવીનતા અને ટકાઉ વિકાસ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો. ઉત્તર ગુજરાતના અર્થતંત્ર અને ગ્રામીણ આજીવિકામાં કૃષિના અતિ મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ નવું કૃષિ ભવન આબોહવા, કુદરતી સંસાધનો અને કૃષિક્ષેત્રના વિવિધ પડકારોનો સામનો કરી શકે તેવા કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવામાં મોટું યોગદાન આપશે.
અમેરિકા સ્થિત કાશીરામભાઈ પટેલ પરિવારનું ૫ કરોડનું ઉદાર દાન
કુલ ૧૧,૪૫૦ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા આ આધુનિક ભવનના માળખાકીય વિકાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય દંપતી કાશીરામભાઈ પટેલ અને શ્રીમતી કાન્તાબેન પટેલે રૂપિયા ૫ કરોડનું ઉદાર દાન અર્પણ કર્યું છે. મુખ્ય દાતાશ્રીઓના આ મહાન સેવાકાર્યના સન્માન સ્વરૂપે જ સંસ્થાને ‘કાન્તાબેન કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ એન્ડ રિસર્ચ’ નામ આપવામાં આવ્યું છે. સમારોહનો પ્રારંભ પરંપરાગત પૂજાવિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો.
શિક્ષણ દ્વારા રાષ્ટ્રસેવા અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણનો દિવ્ય સંદેશ
આ પાવન પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ અને પેટ્રન-ઇન-ચીફ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલ (દાદા) એ શિક્ષણ દ્વારા રાષ્ટ્રસેવા કરવાની કાશીરામભાઈ પટેલની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. નવી પેઢી (Gen Z) ને સંબોધતાં ૯૦ વર્ષીય દાતા કાશીરામભાઈ પટેલે અમેરિકામાં વસવાટ કરવા છતાં માતૃભૂમિ સાથેનો પોતાનો અતૂટ સંબંધ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે શિક્ષણનો સાચો હેતુ સારા માનવીનું ઘડતર કરવાનો અને સમાજસેવા માટે પ્રેરિત કરવાનો હોવો જોઈએ. તેમના પુત્ર ડૉ. પરેશ પટેલ (અમેરિકામાં તબીબ) એ પણ પિતાના સ્વપ્ન સાકાર થવા અંગે ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
દેશ-વિદેશના મહાનુભાવો, કૃષિવિજ્ઞાનીઓ અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે શ્રીમતી મંજુલાબેન ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડૉ. આર. કે. પટેલ, સિનિયર પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. સૌરભ દવે, પ્રો-વાઇસ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. ગિરીશ પટેલ, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય જયંતીભાઈ પટેલ, એસ્ટેટ કમિટીના કો-ચેરમેન સંદીપભાઈ શેઠ તેમજ ટ્રસ્ટ મંડળના સભ્યો સોમભાઈ રાયકા, પ્રવીણભાઈ પટેલ અને ફેકલ્ટી ઑફ એગ્રીકલ્ચરના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. મૌર્વી વસાવડા સહિત શૈક્ષણિક જગતના દિગ્ગજો હાજર રહ્યા હતા. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આસપાસના ગામોના અન્નદાતા ખેડૂતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉદ્ઘાટન સમારોહનું સફળ સંચાલન પ્રો. ડૉ. કોમલબેન ભટ્ટે કર્યું હતું.
અહેવાલ : ચેતન રાજપૂત
