મુખ્ય હાઇલાઇટ્સ:
- ધંધુકા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી.
- નગરપાલિકા કચેરીથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) સુધી ભવ્ય રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન.
- એપીએમસી ખાતે આયોજિત સભામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આહવાન.
- નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, તમામ સમિતિના ચેરમેન, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો રહ્યા ઉપસ્થિત.
ધંધુકામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય એકતા રેલી યોજાઈ
અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ધંધુકા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધંધુકા નગરપાલિકા કચેરી ખાતેથી એક વિશાળ એકતા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દેશભક્તિસભર રેલી નગરપાલિકાથી શરૂ થઈને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન સમગ્ર શહેર રાષ્ટ્રીય એકતાના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.
એપીએમસી ખાતે સભાનું આયોજન; ધારાસભ્ય કાળુભાઈ ડાભીનું સંબોધન
એપીએમસી ખાતે રેલી પૂર્ણ થયા બાદ એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત સૌ લોકો માટે રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે નગરપાલિકા દ્વારા સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૫ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, તેમનું લોખંડી નેતૃત્વ અને વિઝન આજે પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને રાષ્ટ્રીય એકતા, અખંડતા અને સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનવા હાકલ કરી હતી.
પાલિકાના પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ અને નગરજનોની બહોળી હાજરી
આ ગૌરવવંત પ્રસંગે ધંધુકા નગરપાલિકાના પ્રમુખ આદેશરા, તમામ સમિતિના ચેરમેનશ્રીઓ અને તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધંધુકા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ નેહલ શાહ સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો આ એકતા રેલી અને સભામાં જાડાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ સહિત નગરપાલિકાના તમામ કર્મચારીઓએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
