મુખ્ય હાઇલાઇટ્સ:
- વર્ષ ૧૯૯૯ ના સીમેન્ટ ચોરી અને છેતરપિંડીના ગુનામાં ૨૭ વર્ષથી ફરાર અને અમરેલી જિલ્લાના લિસ્ટેડ આરોપીને રાજુલા સર્વેલન્સ ટીમે દબોચ્યો.
- ભાવનગર રેન્જ આઈજી આઈ.વી.અસારી અને અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ યોજાયું ખાસ ઓપરેશન.
- મતદાન યાદીની સઘન તપાસ, બુલેટ બાઈકના રજિસ્ટ્રેશન અને સોશિયલ મીડિયા ટેક્નિકલ એનાલિસિસની મદદથી આરોપીની થઈ ચોક્કસ ઓળખ.
- નાગપુર ખાતે બસ ડ્રાઇવિંગ કરતા આરોપીની બસમાં પોલીસે મુસાફર બનીને યુક્તિ-પ્રયુક્તિથી કરી ધરપકડ.
વર્ષ ૧૯૯૯ ના રૂ. ૫૮,૫૦૦ ની સીમેન્ટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો
અમરેલી જિલ્લામાં લાંબા સમયથી અદાલત અને પોલીસ પકડથી દૂર ભાગતા ગુનેગારોને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈજી આઈ.વી.અસારી, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરાની રાહબારીમાં સર્વેલન્સ ટીમને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ગત ૮ ડિસેમ્બર ૧૯૯૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ ૪૦૭ અને ૪૦૮ મુજબના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૭ વર્ષથી નાસતા ફરતા અને જિલ્લાના લિસ્ટેડ આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મતદાન યાદી અને ટેક્નિકલ એનાલિસિસથી મળ્યો આરોપીનો સુરાગ
આરોપી ૧૯૯૯ માં કોવાયા કંપનીમાંથી ૩૦ ટન (૬૦૦ બેગ) સીમેન્ટ (જે તે સમયની કિંમત રૂ. ૫૮,૫૦૦) ટ્રકમાં ભરી સુરત જવા નીકળ્યો હતો. પરંતુ તળાજા નજીક મુરલીધર હોટલ પાસે માત્ર ૨૦,૦૦૦ રૂપિયામાં બારોબાર સીમેન્ટ વેચીને ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. જે તે સમયે ત્રણ આરોપી પકડાઈ ગયા હતા, પરંતુ ટ્રક ડ્રાઇવર અબ્દુલ સત્તાર ફરાર હતો. રાજુલા પીએસઆઈ એમ.એફ.ચૌહાણ અને સર્વેલન્સ ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના તમામ તાલુકાઓની જૂની તથા નવી સંશોધિત મતદાન યાદીઓ (SIR) મેળવીને બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. એક જ નામના ૧૫૦ વ્યક્તિઓમાંથી પિતાના નામ સરખાવીને શંકાસ્પદ વ્યક્તિ શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના ચૂંટણી આઈડી કાર્ડ પરથી ટેક્નિકલ માહિતી અને તેની પત્નીના મોબાઈલના વોટ્સએપ પર બુલેટ બાઈકના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીની ચોક્કસ ઓળખ કરવામાં આવી હતી.
પોલીસે બસમાં મુસાફર બનીને મહારાષ્ટ્રમાંથી આરોપીને દબોચ્યો
આરોપીનું લોકેશન સતત બદલાતું હોવાથી રાજુલા પોલીસે તેની મુવમેન્ટનું ઝીણવટભર્યું એનાલિસિસ કર્યું હતું. આરોપી હાલ મહારાષ્ટ્રના નાગપુર શહેર ખાતે ખાનગી બસ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ચોક્કસ માહિતી મળતાં જ રાજુલા પોલીસની ટીમ નાગપુર પહોંચી હતી. સર્વેલન્સ ટીમના સભ્યો બસમાં મુસાફર તરીકે બેસી ગયા હતા અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. પકડાયેલા આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી (ઉંમર વર્ષ ૫૪, રહે. ઘરોરા, તા. લક્ષ્મણપુર, જી. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ) ને રાજુલા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં રાજુલા પીઆઈ વી.એમ.કોલાદરા, પીએસઆઈ એમ.એફ.ચૌહાણ, એએસઆઈ મધુભાઈ નથુભાઈ પોપટ, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા, મનુભાઈ રામભાઈ માંગણી, સુરેશભાઈ ઠાકરશીભાઈ મેર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગણેશભાઈ બારૈયા અને રવિરાજભાઈ બાબુભાઈ વરુએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
