મુખ્ય હાઇલાઇટ્સ:
- સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા નવસારીના સુપા ગામ ખાતે ૧૬ વીઘા જમીનમાં રૂ. ૪૫૦ કરોડના ખર્ચે વિશાળ હોસ્પિટલનું નિર્માણ.
- હોસ્પિટલમાં ૨૦૦ બેડ, ૨૧ ઓપરેશન થિયેટર અને ૬૪ ઓપીડીની સુવિધા ઉપલબ્ધ રહેશે; વર્ષે ૧.૨૦ લાખ ઓપરેશનનું આયોજન.
- અંધજનોને પગભર કરવા માટે વિશેષ કૌશલ્ય વિકાસ, પુનર્વસન કેન્દ્ર અને રોજગારલક્ષી તાલીમ કેન્દ્રની સ્થાપના કરાશે.
- આગામી તા. ૫ થી ૧૩ ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન મોરારી બાપુની પાવન રામકથાનું આયોજન; અમદાવાદમાં માયાભાઈ આહિરનો લોકડાયરો યોજાશે.
નવસારીના સુપા ખાતે રૂ. ૪૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (એસવીએનએમ ટ્રસ્ટ) દ્વારા નવસારી જિલ્લાના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યક્તિઓની આંખોમાં રોશની પ્રગટાવવા અને તેમને અંધકારથી ઉજાસ તરફ લાવવાના હેતુથી રૂ. ૪૫૦ કરોડના મસમોટા ખર્ચે વૈશ્વિક સ્તરની સુવિધા સભર અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. પશ્ચિમ ભારતની આ વિશ્વકક્ષાની નેત્ર હોસ્પિટલના લોકાર્થાં અને લોકજાગૃતિ માટે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે અમદાવાદ ખાતે કર્ણાવતી ક્લબ પાસે આવેલા ઔડા ઓડિટોરિયમમાં જાણીતા કલાકાર માયાભાઈ આહિરના હાસ્ય અને સાહિત્યસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષે અંદાજે ૧,૨૦,૦૦૦ જેટલા ઓપરેશનોની અદભૂત સુવિધા
ટ્રસ્ટના પ્રમુખ ડો. ભાવિનભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આંખોની તકલીફો ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સુપા ગામ ખાતે અંદાજે ૧૬ વીઘા જમીનમાં ૨૦૦ બેડ, ૨૧ અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને ૬૪ ઓપીડી (OPD) ધરાવતી આ હોસ્પિટલ કાર્યરત થશે. આ ‘દ્રષ્ટિ ધામ’માં મોતિયો, ગ્લુકોમા તેમજ રેટિના સંબંધિત રોગોના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર પૂરી પાડવામાં આવશે. આ હોસ્પિટલમાં વાર્ષિક અંદાજે ૧,૨૦,૦૦૦ જેટલા ઓપરેશનો થઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરાશે, જેમાં મોતિયા, પડદાના, ઝામર અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સહિતની અસાધ્ય બીમારીઓની રાહત દરે કે નિઃશુલ્ક સારવાર આપી સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
દ્રષ્ટિહીન લોકો માટે પુનર્વસન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રની વિશેષ પહેલ
ટ્રસ્ટના સીઈઓ ડો. દિશાંતભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે સુપા ખાતે નિર્માણ પામનારા આ સંકુલમાં જે લોકો બિલકુલ જોઈ શકતા નથી તેવા નેત્રહીન નાગરિકો માટે વિશેષ પુનર્વસન કેન્દ્ર પણ સ્થાપવામાં આવશે. દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા લોકોને ચાલવા-ફરવામાં, મોબાઈલ તથા કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં, રસોઈ બનાવવા સહિતના દૈનિક જીવનના કાર્યોમાં સ્વાવલંબી બનાવવા માટે તાલીમ અને માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત, દ્રષ્ટિહીન લોકોને યોગ્ય શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ આપીને તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવશે. ટ્રસ્ટના કર્મયોગી નીરવભાઈ પટેલે ઉમેર્યું હતું કે ‘પ્રોજેક્ટ દ્રષ્ટિ’ અંતર્ગત અત્યાર સુધીમાં ૪૨૦ થી વધુ નિઃશુલ્ક કેમ્પ યોજીને હજારો દર્દીઓને નવી દ્રષ્ટિ બક્ષવામાં આવી છે, તેમજ ‘ચશ્મા રથ’ અને ‘ઘર ઘર દ્રષ્ટિ અભિયાન’ દ્વારા ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
મોરારી બાપુની પાવન કથાનું ભવ્ય આયોજન
આ મહાઅભિયાન અને સેવાકાર્યની પૂર્તિ માટે આગામી તા. ૫ થી ૧૩ ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ (ગુરૂકુલ), નવસારી ખાતે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ‘શ્રી રામ કથા’નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધર્મલાભ લેશે.
અહેવાલ:ચેતન રાજપૂત
