મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરાના અમરાપરા વિસ્તારમાં બનેલી મોટી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે આખરે ડિટેક્ટ કર્યો.
- મહિનાઓ સુધી શંકાસ્પદ ઈસમોની ગતિવિધિઓ પર ખાનગી વોચ ગોઠવી ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી હાથ ધરાઈ કામગીરી.
- સ્વામિનારાયણ નગરના અભિષેક જાની અને મેઈન બજારના નયન સાકરીયા નામના બે સ્થાનિક શખ્સોની ધરપકડ.
- રૂ. ૩ લાખ રોકડા, રૂ. ૬.૮૫ લાખની કિંમતનો સોનાનો ઢાળીયો અને બાઇક મળી કુલ રૂ. ૧૦,૦૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે.
અમરાપરામાં ઘરફોડ ચોરીના ગુનામાં બાબરા પોલીસને મળી મોટી સફળતા
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં આવેલ અમરાપરા વિસ્તારમાં ગત એપ્રિલ માસમાં થયેલી મોટી ઘરફોડ ચોરીના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. આ ચોરી અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. ભાવનગર રેન્જ આઈજીપી આર.વી.અસારી, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતા દ્વારા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ તાકીદે શોધી કાઢવા આપેલી સ્પષ્ટ સૂચનાઓ અંતર્ગત બાબરા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના સીધા માર્ગદર્શન હેઠળ વિશેષ સર્વેલન્સ ટીમ બનાવી તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
મહિનાઓ સુધી ખાનગી વોચ ગોઠવી ન્યાયમંદિર પાછળથી બે આરોપીઓને દબોચાયા
બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે સતત મહિનાઓ સુધી ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ ઈસમોની હિલચાલ પર અત્યંત ગુપ્ત રીતે કડક વોચ ગોઠવી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાબરાના ન્યાયમંદિર પાછળ આવેલા કાચા માર્ગ પરથી બે ઈસમોને ઘેરીને દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં તેમની ઓળખ અભિષેક વિજયભાઈ જાની (ઉંમર વર્ષ ૨૩, રહે. સ્વામિનારાયણ નગર, બાબરા) અને નયનભાઈ સુરેશભાઈ સાકરીયા (ઉંમર વર્ષ ૩૧, રહે. મેઈન બજાર, રામજી મંદિર પાસે, બાબરા) તરીકે થઈ હતી.
રૂ. ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ રિકવર; પોલીસ ટીમની સરાહનીય કામગીરી
પોલીસે આરોપીઓની તલાશી લેતાં અને સઘન પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ રૂ. ૩,૦૦,૦૦૦, રૂ. ૬,૮૫,૦૦૦ ની કિંમતનો એક સોનાનો ઢાળીયો તેમજ ગુનામાં વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળી કુલ રૂ. ૧૦,૦૫,૦૦૦ નો માતબર મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. મહિનાઓથી અણઉકેલાયેલા આ જટિલ ગુનાનો ભેદ ઉકેલી ૧૦૦ ટકા મુદ્દામાલ હસ્તગત કરવા બદલ બાબરા પીઆઈ એમ.બી.ઔસુરા, એએસઆઈ કિરણભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલા, રમેશભાઈ કોતર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગોકળભાઈ રાતડીયા, વિજયભાઈ ચારડીયા અને ભારતભાઈ મકવાણાની કામગીરીને પ્રજાજનો દ્વારા બિરદાવવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
