મુખ્ય હાઇલાઇટ્સ:
- વિજયાદશમીએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબીના વેચાણ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની નબળી નીતિ સામે સવાલો.
- આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરન બારોટે વિડીયો જારી કરી જનતાના આરોગ્ય સાથે થતાં ચેડાં સામે ઉઠાવ્યો અવાજ.
- તહેવાર એક દિવસનો હોય ત્યારે સેમ્પલ રિપોર્ટ આવવામાં ૧૪ દિવસનો વિલંબ શા માટે?: આપ અગ્રણીનો સવાલ.
- દરેક ઝોનમાં ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ ઓન વ્હીલ્સ’ શરુ કરી ભેળસેળ કરનારાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ.
દશેરા પર્વે ફાફડા-જલેબીના સેમ્પલિંગ અને ફૂડ વિભાગની કામગીરી સામે ‘આપ’ના સવાલો
અમદાવાદ શહેરમાં વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ તહેવાર ટાણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે વિડીયો સંદેશના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દશેરાના દિવસે શહેરીજનો હોંશેહોંશે કરોડોના ફાફડા-જલેબી ખાઈ લેશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ ઊંઘમાંથી જાગશે. તહેવાર વિતી ગયા પછી મળતા રિપોર્ટનો કોઈ અર્થ સરતો નથી.
સેમ્પલ રિપોર્ટમાં ૧૪ દિવસનો વિલંબ અને મોબાઈલ લેબનો અભાવ
ડૉ. કરન બારોટે તંત્રની નીતિઓ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ તો લેવામાં આવે છે, પરંતુ પ્રયોગશાળામાંથી તેના રિપોર્ટ આવવામાં આશરે ૧૪ દિવસ જેટલો લાંબો સમય નીકળી જાય છે. જ્યારે તહેવાર માત્ર એક જ દિવસનો હોય ત્યારે રિપોર્ટ માટે બે અઠવાડિયાની રાહ શા માટે જોવી પડે? જો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોય તો તેનો ભોગ સામાન્ય જનતા બની ચૂકી હોય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે અમદાવાદ જેવા મહાનગરમાં દરેક ઝોનમાં ‘ફૂડ સેફ્ટી લેબ ઓન વ્હીલ્સ’ અર્થાત મોબાઈલ ટેસ્ટિંગ લેબની સુવિધા કેમ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી? જેથી સ્થળ પર જ તાત્કાલિક તપાસ થઈ શકે.
૬ કરોડથી વધુના વેચાણ વચ્ચે સઘન તપાસ અને અધિકારીઓ સામે પગલાં લેવા માંગ
આપ નેતાએ આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે દશેરાના દિવસે અમદાવાદમાં ૧૦,૦૦૦ કિલોથી વધુ જલેબી અને ફાફડાનું વેચાણ થાય છે, જેનો કારોબાર રૂ. ૬ કરોડથી પણ વધુનો હોય છે. આવી પરિસ્થિતિમાં શંકાસ્પદ ખાદ્યપદાર્થોમાં ભેળસેળની પુષ્ટિ થાય તો કાયદા મુજબ સ્થળ પર જ તાત્કાલિક કડક કાર્યવાહી થવી જરૂરી છે. નાગરિકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા તત્વો અને તેમાં નિષ્કાળજી દાખવતા જવાબદાર અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ ક્યારે થશે તેવા સવાલો સાથે તેમણે અમદાવાદીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પારદર્શક તપાસ અને કડક જવાબદારી નક્કી કરવાની તીવ્ર માંગ કરી હતી.
અહેવાલ : ચેતન રાજપૂત
