મુખ્ય હાઇલાઇટ્સ:
- ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારની ક્રિષ્ના સોસાયટીમાં ૧૬ અને ૧૮ ઓક્ટોબરના રોજ બે જૂથો વચ્ચે જૂની અદાવતે હિંસક અથડામણ.
- બોલાચાલી બાદ તલવાર, લાકડી અને પથ્થરમારો કરી ઘરો તથા વાહનોને નુકસાન પહોંચાડાયું.
- હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી.
- પોલીસે સીસીટીવી વિડીયોના આધારે તપાસ તેજ કરી બંને પક્ષના કૂલ ૨૪ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
કુંભારવાડામાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અંકલેશ્વર-જેવી અથડામણ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે વિવાદ ઉગ્ર બનતાં માથાફૂટની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૬ અને ૧૮ ઓક્ટોબરના રોજ આ વિસ્તારમાં બે પક્ષો સામસામે આવી ગયા હતા. પ્રથમ ઘટના ૧૬ ઓક્ટોબરના રોજ રાત્રે નવરાત્રીના સમયે બની હતી. જેમાં અક્ષય ઉર્ફે ભુવો અને કેતન મકવાણા વચ્ચે અગાઉ થયેલી બોલાચાલીના સમાધાન અર્થે બેઠક યોજાઈ હતી. જોકે, સમાધાન ચર્ચા દરમિયાન વાત વણસતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો હિંસક બન્યો હતો, જેમાં લાકડીઓ, પથ્થરો અને તલવારો વડે સામસામે હુમલા કરવામાં આવ્યા હતા.
ઘર પર પથ્થરમારો કરી તોડફોડ; સીસીટીવી વાયરલ થતાં પોલીસ એક્શનમાં
ત્યારબાદ બીજી ઘટના ૧૮ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ઘટી હતી, જેમાં પ્રવીણ ઉર્ફે દાઉદ અને તેના સાથીઓએ બવચંદભાઈ રાઠોડના ઘર પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ઘરની બહાર તોડફોડ કરી વાડ, ઇલેક્ટ્રિક મીટર તેમજ ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર હિંસક ઘટનાઓ અને પથ્થરમારાના દ્રશ્યો આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
પોલીસે ૨૪ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થયા બાદ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં બંને જૂથો દ્વારા ખાનગીમાં સમાધાન કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોઈ સીસીટીવી ફૂટેજ ચકાસીને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે વાયરલ ફૂટેજના આધારે હુમલામાં સામેલ તમામ શખ્સોની ઓળખ કરી કૂલ ૨૪ લોકો સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
