મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરા પોલીસ સ્ટેશન હદના ઊંટવડ ગામની સીમમાં ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલી હોટલ પાસે પોલીસનો સપાટો.
- “શ્રી રામ એન્ટરપ્રાઈઝ” નામથી પ્રતિબંધિત બાયોડીઝલનું ગેરકાયદે છૂટક વેચાણ કરતા પ્રિન્સ ભીમાભાઈ છાયાણી સામે કાયદેસરની તવાઈ.
- લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતા અને બાબરા પીઆઈ આર. આર. પરમારની આગેવાનીમાં સંયુક્ત દરોડો.
- ૨૦,૦૦૦ લિટર ક્ષમતાના ૨ અંડરગ્રાઉન્ડ ટાંકા, ૫,૦૦૦ લિટર બાયોડીઝલ, ડિસ્પેન્સર મશીન, ટ્રક-ટેન્કર અને હિસાબી સાહિત્ય સીઝ.
હાઈવે પર ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પર પોલીસનો છાપો
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્રવાહીઓના સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે જિલ્લા પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. પરમાર તથા એએસઆઈ જયદેવસિંહ ચંદુભાને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે, બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઊંટવડ ગામની સીમમાં, ભાવનગર–રાજકોટ હાઈવે પર નંદિની હોટલની બાજુમાં જસદણનો રહીશ પ્રિન્સભાઈ ભીમાભાઈ છાયાણી “શ્રી રામ એન્ટરપ્રાઈઝ” ના નામે ‘દસ્તક ડ્રોપ ઇન ફ્યુલ’ના લોગોવાળા ડિસ્પેન્સર મશીન દ્વારા પ્રતિબંધિત બાયોડીઝલનું ખુલ્લેઆમ છૂટક વેચાણ કરી રહ્યો છે.
ડીવાયએસપીની આગેવાનીમાં સંયુક્ત ટીમનો દરોડો અને જંગી મુદ્દામાલ જપ્ત
બાતમી મળતાં જ લાઠી ડિવિઝનના ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન અને સીધી આગેવાની હેઠળ લાઠી ડિવિઝન તથા બાબરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે સ્થળ પર ઓચિંતો છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જમીનમાં દાટેલા ૨ મોટા અંડરગ્રાઉન્ડ મેટલ ટાંકા (સંયુક્ત ક્ષમતા આશરે ૨૦,૦૦૦ લિટર), ટાંકામાં રહેલો આશરે ૫,૦૦૦ લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મિશ્રિત જ્વલનશીલ બાયોડીઝલનો જથ્થો, છૂટક વેચાણ માટેનું મોટું ડિસ્પેન્સર મશીન, ડિસ્પેન્સર મશીન સજ્જ ખાલી ટ્રક-ટેન્કર તેમજ ગેરકાયદેસર છૂટક વેચાણના હિસાબ-કિતાબવાળી ડાયરીઓ, ચોપડાઓ તથા દસ્તાવેજી સાહિત્ય કબજે કર્યું હતું.
લાયસન્સ વગરના જોખમી કારોબાર સામે કાયદેસરની તપાસ શરૂ
સ્થળ પર હાજર પ્રિન્સભાઈ ભીમાભાઈ છાયાણી પાસે સદર જ્વલનશીલ પદાર્થના સંગ્રહ તથા છૂટક વેચાણ અંગે કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા કે સરકારી લાયસન્સ મળ્યા ન હતા. માનવ જીવન અને જાહેર મિલકત માટે જોખમ ઊભું કરતા આ ગેરકાયદે નેટવર્ક સામે પોલીસે ત્વરિત પગલાં લઈ, બંને ટાંકાઓમાંથી નિયમાનુસાર સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરી સ્થળ પર જ ટાંકા તથા ડિસ્પેન્સર મશીન સીઝ કર્યા છે. ટ્રક-ટેન્કર તથા હિસાબી સાહિત્ય જપ્ત કરી બાબરા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધી આગળની કડક કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
