મુખ્ય હાઇલાઇટ્સ:
- લીલીયા રોડ-ચક્કરગઢ બાયપાસ ખાતે સરકારી જમીન પર ડિમોલિશનની ચાલતી પેરવી સામે મંત્રી કૌશિક વેકરિયાની કડક મધ્યસ્થી.
- સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવ્યા બાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ.
- મંત્રીશ્રીએ જાહેરમાં આપી બાંહેધરી: “નેશનલ હાઈવે કપાત સિવાય વિસ્તારનું એકપણ ગરીબનું મકાન તોડવામાં નહીં આવે.”
- જો કોઈ મકાન તોડવા આવે તો સીધો મારો સંપર્ક કરવા અથવા ઓફિસે પહોંચી જવા મંત્રીશ્રીએ આપી લોકોને હિંમત.
સરકારી જમીન પર ડિમોલિશનની પેરવી સામે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ
અમરેલી શહેરના લીલીયા રોડ સ્થિત ચક્કરગઢ બાયપાસ પાસે આવેલી સરકારી જમીન પર દબાણ હટાવવાની વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન સમગ્ર વિસ્તારના રહીશોના રહેણાંક મકાનો ડિમોલિશન કરવાની પેરવી ચાલતી હોવાની ચર્ચાને પગલે સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા, ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. પોતાના આશિયાના છીનવાઈ જવાના ડરથી સ્થાનિક રહીશોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને ન્યાય આપવા માટે ગુહાર લગાવી હતી.
મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ અને અધિકારીઓની હાજરીમાં લોકબેઠક યોજાઈ
આ સંવેદનશીલ મુદ્દાની જાણ થતાં જ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક લોકો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રી અને આગેવાનોએ પીડિત પરિવારોની રજૂઆતો અને ચિંતાઓને અત્યંત શાંતિપૂર્વક અને સંવેદનશીલતાથી સાંભળી હતી.
“નેશનલ હાઈવે કપાત સિવાય એકપણ મકાન નહીં તૂટે” – મંત્રીશ્રીની જાહેરમાં હૃદયસ્પર્શી બાંહેધરી
બેઠક દરમિયાન ગરીબોના આશિયાના બચાવવા માટે મંત્રી કૌશિક વેકરિયાએ જાહેર જનતા વચ્ચે મક્કમતાથી બાંહેધરી આપતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, “નેશનલ હાઈવેની જરૂરી કપાત સિવાય આ વિસ્તારનું એકપણ મકાન તોડવામાં નહીં આવે.” આ ઉપરાંત તેમણે લોકોને અભય વચન અને હિંમત આપતાં ઉમેર્યું હતું કે જો કોઈ મકાન પાડવા માટે આવે તો સીધો મારો સંપર્ક કરવો અથવા મારી ઓફિસે પહોંચી જવું. ગરીબ પરિવારોના આશિયાના બચાવવા માટે મંત્રીશ્રીએ લીધેલી આ મોટી જવાબદારીથી સ્થાનિક લોકોમાં ભારે આશ્વાસન અને રાહત ફેલાઈ છે અને તેઓ ખરા અર્થમાં ગરીબોના સાચા બેલી સાબિત થયા છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
