મુખ્ય હાઇલાઇટ્સ:
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓ સામે ખાસ ઝુંબેશ.
- ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮) ના કેસમાં સજા ભોગવવામાંથી ભાગતા આરોપી સામે કોર્ટે જારી કર્યું હતું પકડ વોરંટ.
- અમરેલી સીટી પોલીસની નાગનાથ ચોકી ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના મુંબઈથી આરોપી ભરત સુરૈયાને શોધી કાઢ્યો.
- આરોપી સામે સજાના વોરંટની વિધિવત બજવણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
રેન્જ આઈજી અને જીલ્લા પોલીસ વડાના આદેશથી વોરંટની બજવણી ઝુંબેશ
ભાવનગર રેન્જના આઈજીપી આર. વી. અસારી દ્વારા રેન્જ વિસ્તારના જિલ્લાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા અને કોર્ટના સજાના વોરંટના કામના આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ દ્વારા વોરંટની બજવણી માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી મુંબઈથી ઝડપાયો
અમરેલીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબના ફોજદારી કેસ નંબર ૯૧૬/૨૦૨૪ ના કામે સજા ભોગવવાનું પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ કામનો આરોપી ભરતભાઈ હિંમતભાઈ સુરૈયા (મૂળ રહે. બ્રિટાનિયા એજન્સી, આયુર્વેદિક હોસ્પિટલ સામે, હકીમી ગ્લાસ બાજુમાં, અમરેલી) છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છુપાઈને રહેતો હતો. અમરેલી સીટી પોલીસ સ્ટેશન હેઠળની નાગનાથ પોલીસ ચોકીની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈ ખાતે દરોડો પાડી આરોપીને શોધી કાઢ્યો હતો અને સજાના વોરંટની બજવણી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમ
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. જી. મયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એન. વી. લંગાળીયા, હેડ કોન્સ્ટેબલ અંકુરભાઈ ભીખુભાઈ સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ મંગળુભાઈ ખુમાણની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
