મુખ્ય હાઇલાઇટ્સ:
- મહુવા તાલુકાના નેપ ગામની સીમમાંથી શિકાર કરાયેલી શાહુડીના માંસ અને મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો.
- વાડીમાં જાળ બાંધી શાહુડીને મારી નાખી માંસ બનાવતા હોવાની બાતમીના આધારે વન વિભાગની ટીમે પાડેલા દરોડા.
- વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી એફએસએલ અને પેનલ પીએમ નોટ સહિત કાયદાકીય કાર્યવાહી.
- મહુવા કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી જેલહવાલે કર્યો; ઇકોસિસ્ટમ માટે શાહુડીના રક્ષણ અંગે વન વિભાગની અપીલ.
નેપ ગામના સ્મશાન વિસ્તારની વાડીમાંથી ચોક્કસ બાતમીના આધારે દરોડો
શેત્રુંજી વન્યજીવ વિભાગ, પાલીતાણા હસ્તકના મહુવા રેન્જ સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે મહુવા તાલુકાના નેપ ગામના સ્મશાન વિસ્તારમાં આવેલી સર્વે નંબર ૨૦ પૈકી ૨ વાળી જમીનમાં વન્યપ્રાણી શાહુડીનો ગેરકાયદેસર શિકાર કરી તેનું માંસ રાંધી ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં જ વન તંત્રની ટીમે ત્વરિત સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, કિશનભાઈ આતુભાઈ બાંભણિયાની વાડી ફરતે લાકડાના ખૂંટા ખોડીને સફેદ રંગની જાળ બાંધવામાં આવી હતી. આ જાળમાં એક શાહુડી ફસાઈ જતાં તેને લાકડી વડે મારી નાખી, તેના કાંટા ઉતારી તથા છરી વડે તેનું માંસ અલગ કરી ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યું હતું.
એફએસએલ અને વેટરનરી ટીમની હાજરીમાં મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો
વન વિભાગે સરકારી પંચો, એફએસએલ ટીમ તથા વેટરનરી ડૉક્ટરની હાજરીમાં ઘટનાસ્થળનું પંચનામું કરી ગુનામાં વપરાયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે નાના ખૂંટવડા-૨ રાઉન્ડના વનરક્ષક દ્વારા પ્રથમ ગુના રિપોર્ટ નંબર ૦૧/૨૦૨૬-૨૭ તથા મહુવા રેન્જ ગુના નંબર ૧૦/૨૦૨૬-૨૭ હેઠળ ‘વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨’ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ મહુવા ફોરેસ્ટ કોલોની ખાતે પેનલ પીએમ નોટ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝડપાયેલા આરોપી કિશનભાઈ બાંભણિયાને મહુવાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં, નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા જોઈને આરોપીના જામીન નામંજૂર કરી તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
જંગલની આહાર શૃંખલા માટે શાહુડીનું મહત્વ અને વન તંત્રની કડક ચેતવણી
વન વિભાગ દ્વારા જાહેર જનતાને જાગૃત કરતાં જણાવવામાં આવ્યું છે કે શાહુડી જંગલની ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વનું પ્રાણી છે. તે કંદમૂળ માટે તીક્ષ્ણ પંજા વડે જમીનનું સતત ખોદકામ કરે છે, જેથી જમીન પોચી બને છે અને ચોમાસાનું પાણી જમીનમાં ઉતરી ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ઉપરાંત, વિવિધ વનસ્પતિના ફળો અને બીજ ખાઈને તેના મળ દ્વારા વનસ્પતિના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે તેમજ દીપડા અને સિંહ જેવા શિકારી વન્યજીવો માટે આહાર શૃંખલાની મહત્વની કડી છે. કોઈપણ વન્યપ્રાણીનો શિકાર કરવો એ બિનજામીનપાત્ર ગંભીર ગુનો હોય, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સફળ કામગીરી પાલીતાણાના મદદનીશ વન સંરક્ષક રાજ પાટોલીયા, મહુવા આરએફઓ ડી. જી. ગઢવી તેમજ વનપાલ જી. ડી. ચૌહાણ, કે. યુ. ખાંભલા, એસ. એસ. મેઘનાથી અને વનરક્ષકોની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
