મુખ્ય હાઇલાઇટ્સ:
- ટ્રાફિક સમસ્યા અને ગંદકી દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આકરું વલણ.
- જાહેર રસ્તા, ફૂટપાથ અને ચાર રસ્તા પર ગેરકાયદે શાકભાજી-ફળો વેચનારા સામે થશે કડક કાર્યવાહી.
- નિયમભંગ કરનારની લારી અને સામાન જપ્ત કરી દંડ સાથે જરૂર પડે પોલીસ ફરિયાદ કરાશે.
- તંત્રે સ્પષ્ટ કર્યું કે વેપારીઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલા વેન્ડિંગ ઝોનમાં જ ધંધો કરવાનો રહેશે.
ગેરકાયદે ફેરિયાઓ સામે એસ્ટેટ વિભાગની લાલ આંખ
અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા, અકસ્માતોનો ભય અને ગંદકી પર નિયંત્રણ મેળવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અત્યંત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથો તેમજ મુખ્ય ચાર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ફળ અને શાકભાજી વેચતા ફેરિયાઓ સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે ત્વરિત પગલાં લેવામાં આવશે.
જપ્તી, દંડ અને પોલીસ ફરિયાદ સુધીની કડક ચેતવણી
કોર્પોરેશનની માર્ગદર્શિકા મુજબ, જે ફેરિયાઓ નિયત શાકમાર્કેટ અથવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત વેન્ડિંગ ઝોનની બહાર રસ્તાઓ પર ધંધો કરતા ઝડપાશે, તેમની લારીઓ અને તમામ સામાન તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે. આ ઉપરાંત, તેમની પાસે આકરો દંડ પણ વસૂલવામાં આવશે. જો કોઈ ફેરિયા દ્વારા વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવાની સ્પષ્ટ અને કડક ચેતવણી પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.
શહેરીજનોએ નિર્ણયને આવકાર્યો, નાગરીકો અને ફેરિયાઓ વચ્ચે ચર્ચાનો વિષય
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ રોડ પર જ શાકભાજી અને ફળોના વેચાણને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે, અકસ્માતનું જોખમ વધે છે અને વેપાર બાદ કચરો જાહેરમાં ફેંકાતાં ગંદકી ફેલાય છે. પ્રજાની સુવિધા માટે તંત્રે ચોક્કસ સ્થળોએ જ શાકભાજી માર્કેટો અને વેન્ડિંગ ઝોન બનાવ્યા હોય, ફેરિયાઓએ ત્યાં જઈને જ વેપાર કરવો પડશે. તંત્રના આ કડક વલણને કારણે નાના ફેરિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ શહેરના આમ નાગરિકોએ ટ્રાફિક અને ગંદકીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેમ વિચારીને આ નિર્ણયને આવકાર્યો છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
