મુખ્ય હાઇલાઇટ્સ:
- પિતૃકાર્યની વિધિ દરમિયાન ધૂણીને કુટુંબી વૃદ્ધા કમુબેન પર ડાકણ-ચૂડેલ અને અશાંતિ ફેલાવવાનો ખોટો આરોપ મૂકાયો.
- નિર્દોષ પીડિત પરિવારે રાજકોટ સ્થિત ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ ન્યાય માટે રજૂઆત કરી.
- વિજ્ઞાન જાથાની ટીમ અને મહુવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ઈર્ષ્યા-દ્વેષથી આરોપ મૂક્યાનું ખુલ્યું.
- આરોપી યુવકે પોતાની ભૂલ સ્વીકારી લખાણ આપીને જાહેરમાં માફી માગતાં મામલો થાળે પડ્યો.
પિતૃકાર્ય વિધિમાં ધૂણીને વૃદ્ધા પર મૂકાયો ખોટો આરોપ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ જાદરા રોડ વિસ્તારમાં પિતૃકાર્ય અને શાંતિયજ્ઞની ધાર્મિક વિધિ દરમિયાન અંધશ્રદ્ધા અને માનસિક ત્રાસનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. મહુવાના જાદરા રોડ પર રહેતા અમન કનુભાઈ ખોડીફાસ નામના યુવકે પોતાના ઘરે પિતાના મોક્ષાર્થે રાખેલા પિતૃકાર્ય અને માંડવાની વિધિ દરમિયાન આશરે એક કલાક સુધી ધૂણીને પોતાના જ કુટુંબી વૃદ્ધા કમુબેન પર ડાકણ-ચૂડેલ હોવાનો અને ઘરમાં અશાંતિ ફેલાવવાનો ખોટો આરોપ મૂક્યો હતો. આ ઘટનાના પગલે વૃદ્ધા અને તેમના પુત્ર મિલાપ રામજીભાઈ ખોડીફાસના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અને નિર્દોષ વૃદ્ધા માટે સમાજમાં જીવવું મુશ્કેલ બની ગયું હતું.
પીડિત પરિવારે વિજ્ઞાન જાથાના દ્વાર ખટખટાવ્યા
વૃદ્ધા સંપૂર્ણપણે નિર્દોષ હોવાથી અને ઘણા વર્ષોથી અલગ રહેતા હોવા છતાં ઈર્ષ્યા તથા દ્વેષભાવથી આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું જણાતાં, મિલાપભાઈએ રાજકોટ સ્થિત ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચી રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી હતી. વિજ્ઞાન જાથા દ્વારા પ્રાથમિક તપાસ કરાતાં પીડિત પરિવારની વાત સાચી જણાઈ હતી. ત્યારબાદ વિજ્ઞાન જાથાએ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ, ભાવનગર આઈ.જી.પી., એસ.પી. અને કલેક્ટરને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્તની માગ કરી હતી. ભાવનગર કંટ્રોલ રૂમની સૂચનાથી મહુવા ટાઉન પોલીસ મથકના પી.આઈ. બી.એમ. કરમટા દ્વારા પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી જાથાની ટીમે કર્યો પર્દાફાશ
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના વડપણ હેઠળ પ્રતિનિધિમંડળ અને મહુવા પોલીસનો કાફલો જાદરા રોડ ખાતે અમન ખોડીફાસના ઘરે પહોંચ્યો હતો. જાથાની ટીમે આરોપ મૂકનાર પરિવાર પાસે પુરાવાઓની માગણી કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ મહિલા પર ડાકણ કે ચૂડેલનો ખોટો આરોપ મૂકવો એ ગંભીર કાનૂની અપરાધ છે. કાયદાકીય કાર્યવાહીનો ડર અને પોલીસની હાજરી જોઈને આરોપી અમન અને તેના પરિવારે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. અમન ખોડીફાસે સ્વીકાર્યું હતું કે ધૂણતી વખતે થાક અને ધ્રુજારીના કારણે તેનાથી કમુબેનનું નામ ખોટી રીતે બોલાઈ ગયું હતું અને તેઓ સંપૂર્ણ નિર્દોષ છે.
યુવકે કબૂલાતનામું આપી માફી માગી, જાથાનો ૧૨૯૦મો સફળ પર્દાફાશ
આરોપી યુવકે પોતાની ભૂલનો સ્વીકાર કરી લેખિતમાં કબૂલાતનામું આપ્યું હતું કે તેના દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપો ખોટા અને બેબુનિયાદ હતા. તેણે પીડિત રામજીભાઈના પરિવાર અને સમાજની ક્ષમાયાચના કરી ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી હતી. આ સાથે જ વિજ્ઞાન જાથાનો ૧૨૯૦મો સફળ પર્દાફાશ સંપન્ન થયો હતો. જાથાની ટીમે ઉત્કૃષ્ટ સહયોગ બદલ મહુવા પોલીસ ટીમ અને ભાવનગર પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજ્ઞાન જાથાએ રાજ્યના નાગરિકોને અંધશ્રદ્ધા કે ભૂવા-ડાકણના નામે થતી હેરાનગતિ સામે જાગૃત રહેવા અને મદદ માટે સંપર્ક કરવા અપીલ કરી છે.
