મુખ્ય હાઇલાઇટ્સ:
- માંડલ તાલુકામાં ભારે વરસાદથી એરંડા, કપાસ અને મગફળીનો ઉભો પાક બળીને ખાખ, જમીનનું પણ ધોવાણ.
- ૧૦ થી ૧૨ ગામોના અંદાજે ૮૦ થી ૧૦૦ જેટલા ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચીને કરી ઉગ્ર રજૂઆત.
- તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે ન કરાયો હોવાનો આક્ષેપ, ત્વરિત નુકસાની વળતર અને ખાતર-બિયારણ સહાયની માંગ.
- વહેલી તકે યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની અને કલેક્ટર સુધી રજૂઆત પહોંચાડવાની ચીમકી.
ભારે વરસાદને પગલે ૧૨થી વધુ ગામોમાં ખેતીના પાકને મોટું નુકસાન
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. માંડલ તાલુકાના મહુડા સીમ વિસ્તાર, લાખણકા, હિરપુરા, રતનપર, ડેભ, ટીંબા, અમિયાપુરા, ચમક, મહેડા, બાલાવાસ, કુકાવા, દાહોદ અને નવલપુરા સહિત ૧૨ થી વધુ ગામોના સીમ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મોટાપાયે પાક નુકસાની થઈ છે. ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાઈ રહેતાં એરંડા, કપાસ અને મગફળીનો ઉભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, સાથે જ ફળદ્રુપ જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે.
૮૦ થી ૧૦૦ જેટલા ખેડૂતો મામલતદાર કચેરીએ ઉમટ્યા, આવેદન પાઠવ્યું
પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ૧૦ થી ૧૨ ગામોના નાનજીભાઈ, રમેશભાઈ, શેઠ, રબારી સહિતના અગ્રણી ખેડૂતો અને લગભગ ૮૦ થી ૧૦૦ જેટલા ખેડૂતોનો કાફલો માંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો. ખેડૂતોએ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ તથા સમગ્ર પરિવારની મહેનત એળે ગઈ છે. તંત્ર દ્વારા હજુ સુધી ખેતરોમાં જઈને નુકસાનીનો કોઈ પ્રાથમિક સર્વે પણ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઇનપુટ સહાય જાહેર કરવા માંગ, આંદોલનની ચીમકી
ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તમામ અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે અને પાક નુકસાનીના વળતર સાથે બિયારણ તથા ખાતર માટે ઇનપુટ સહાય જાહેર કરવામાં આવે. જો વહેલી તકે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી કડક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
