મુખ્ય હાઇલાઇટ્સ:
- મોજે અમરેલી શહેરના ખાતા નંબર ૫૪૩ ની ૧૫૭ હેક્ટરથી વધુ ગૌચર જમીન પર વ્યાપક દબાણની ગંભીર ફરીયાદ.
- દેવભૂમિ દેવળિયા ગામના અરજદાર નાથાલાલ સુખડિયાએ કલેક્ટરને પાઠવ્યું સત્તાવાર આવેદનપત્ર.
- સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ તથા મહેસૂલ વિભાગના પરિપત્રોનો ટાંકીને કરાઈ રજૂઆત.
- દબાણોને કારણે ૩૦૦૦ થી વધુ ગાયો અને પશુઓ રસ્તે ભટકવા મજબૂર; કાર્યવાહી નહીં થાય તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી.
અમરેલી શહેરની ગૌચર જમીન પર વ્યાપક અનઅધિકૃત દબાણોનો આક્ષેપ
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં સરકારી તથા ગૌચર સદરે ચાલતી જમીનો પર થયેલા દબાણોનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેવભૂમિ દેવળિયા ગામના રહીશ અને સામાજિક અગ્રણી નાથાલાલ વલ્લભભાઈ સુખડિયા દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને લિખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મોજે અમરેલી તાલુકાના ખાતા નંબર ૫૪૩ હેઠળ ગૌચર સદરે ચાલતા ૩૦ જેટલા સર્વે નંબરો અને કુલ ૪૧ બ્લોક ધરાવતી અંદાજે ૮૩૯ ગાયકવાડી વીઘા (૧૯૯ હેક્ટરથી વધુ) જમીન પૈકી ૧૫૭ હેક્ટરથી વધુ જમીન પર અનઅધિકૃત દબાણો ઊભા થયા હોવાનો સંગીન આક્ષેપ કરાયો છે.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થતું હોવાનો દાવો
કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગૌચર જમીન જાળવણી અને દબાણો દૂર કરવા અંગે સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૧ ના ચુકાદા તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટની વિવિધ જાહરહિત અરજીઓ (પી.આઈ.એલ.) ના આદેશો અન્વયે કલેક્ટરશ્રીની સીધી જવાબદારી બને છે. મહેસૂલ વિભાગના ગૌચર જમીન વ્યવસ્થાપન નીતિ તા. ૧/૪/૨૦૧૫ અને સરકારી જમીન જાળવણી પરિપત્ર તા. ૧૬/૦૭/૨૦૨૨ ના નિયમો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું આવેદનપત્રમાં રેખાંકિત કરવામાં આવ્યું છે.
અબોલ પશુઓની મુશ્કેલી અને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી
અમરેલી શહેરમાં અંદાજે ૩૦૦૦ જેટલી ગાયો ઉપરાંત ઘેટાં-બકરાં અને ભેંસો મોટી સંખ્યામાં છે. ગૌચરની જમીનો પર દબાણો થઈ જતાં આ અબોલ જીવોને ચરવા માટે સુકું તણખલું પણ મળવું મુશ્કેલ બન્યું છે અને હજારો માલ-ઢોર રસ્તાઓ પર રઝળવા મજબૂર બન્યા છે. અરજદારે ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા આ જમીન આઈડેન્ટીફાઈ કરી સ્થળ પરના દબાણો તાત્કાલિક ખુલ્લા કરવામાં નહીં આવે, તો નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ દાખલ કરવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતની નકલ ગાંધીનગર ખાતેના અગ્ર સચિવ અને મહેસૂલ સચિવને પણ રવાના કરવામાં આવી છે.
