મુખ્ય હાઇલાઇટ્સ:
- ગણપત યુનિવર્સિટીના એ.એમ.પી.આઈ.સી.એસ. સંસ્થાન દ્વારા એ.આઈ.સી.ટી.ઈ.-વાણી યોજના અંતર્ગત કાર્યશાળા યોજાઈ.
- માતૃભાષા અને ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સમગ્ર કાર્યશાળા હિન્દી ભાષામાં યોજવામાં આવી.
- દેશના જાણીતા સાયબર સિક્યુરિટી નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પ૪ સહભાગીઓને આપ્યું માર્ગદર્શન.
- એ.આઈ., આઈ.ઓ.ટી. સિક્યુરિટી અને સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો પર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન અપાયું.
એ.આઈ.સી.ટી.ઈ.-વાણી યોજના હેઠળ માતૃભાષામાં તકનીકી જ્ઞાન આપવાનો સફળ પ્રયાસ
ગણપત યુનિવર્સિટીના આચાર્ય મોતીભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા એ.આઈ.સી.ટી.ઈ.-વાણી યોજના અંતર્ગત “આધુનિક ડિજિટલ સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ સાયબર સુરક્ષા અને એ.આઈ. જેવા ઝડપથી વિકસતા ટેકનોલોજી ક્ષેત્રોનું ઉચ્ચ સ્તરીય જ્ઞાન સંશોધકો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સુધી તેમની સરળ ભાષામાં પહોંચાડવાનો હતો. ભાષાકીય અવરોધો દૂર કરી તકનીકી શબ્દભંડોળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે હિન્દી ભાષામાં રાખવામાં આવ્યું હતું.
દિગ્ગજ નેતાઓ અને શૈક્ષણિક નિષ્ણાતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
કાર્યશાળાના ઉદ્ઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ ડૉ. મહેન્દ્ર શર્મા, ડિરેક્ટર જનરલ ડૉ. રાકેશ પટેલ તેમજ ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝના ગ્રુપ સી.ટી.ઓ. અને એમ.ડી. શ્રી પ્રતીક મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (એન.એફ.એસ.યુ.), ગાંધીનગરના સાયબર સિક્યુરિટી વિભાગના વડા અને ડીન ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ વિશેષ અતિથિ તરીકે જોડાવા સાથે રિસોર્સ પર્સન તરીકે સેવા આપી હતી. કાર્યશાળાની રૂપરેખા ડૉ. નિર્ભય ચૌબે દ્વારા આપવામાં આવી હતી, જ્યારે સ્વાગત પ્રવચન ડૉ. શ્રીધરન રાજગોપાલ દ્વારા અને આભાર વિધિ ડૉ. સંજય બી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.
સાયબર સુરક્ષા અને એ.આઈ.ના આધુનિક પાસાઓ પર ગહન મંથન
આ બે દિવસીય ટેકનિકલ કાર્યશાળામાં વિવિધ કોલેજો અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી કુલ પ૪ સહભાગીઓએ ભાગ લીધો હતો. સત્રો દરમિયાન એન.એફ.એસ.યુ. ના ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ, સોફોસના શ્રી મઝહર રાણા, ક્વોન્ટમ નેટવર્ક્સના ડૉ. વિશાલ જે. રાઠોડ, કે.પી.એમ.જી. ના શ્રી રજત ખંડેલવાલ તેમજ એડડિરેક્ટ ટેકનોલોજીસના શ્રી આશુતોષ કાચોટ દ્વારા ઈન્સિડન્ટ રિસ્પોન્સ, આઈ.ઓ.ટી. ડિવાઈસ એસેસમેન્ટ અને એ.આઈ. આધારિત સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઓનલાઈન પરીક્ષા બાદ સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર એનાયત કરાયા
કાર્યશાળાના અંતિમ દિવસે સહભાગીઓ પાસેથી લેખિત અને મૌખિક પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો, જેમાં સૌએ આયોજન અને નિષ્ણાતોના માર્ગદર્શનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. ત્યારબાદ યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં સફળ રહેલા ઉમેદવારોને એ.આઈ.સી.ટી.ઈ. પોર્ટલ મારફતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમાપન સત્રમાં ડૉ. શ્રીધરન રાજગોપાલના વક્તવ્ય બાદ વર્કશોપ કો-ઓર્ડિનેટર ડૉ. નિર્ભય ચૌબે દ્વારા આભારવિધિ વ્યક્ત કરીને કાર્યશાળાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
