મુખ્ય હાઇલાઇટ્સ:
- યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની નિષ્ક્રિયતાના કારણે યુવા ઉત્સવ અને કલા મહાકુંભ જેવા મોટા આયોજનો અટક્યા.
- ખડક ચઢાણ, સાહસ શિબિર અને રાસ-ગરબા સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓની જાહેરાત ન થતાં પ્રતિભાશાળી યુવાનોમાં ભારે અસંતોષ.
- કમિશનરેટના જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા સામે રાજ્યના યુવાધન અને કલાકારોમાં તીવ્ર વિરોધની લાગણી.
- સમયપત્રક મુજબ કાર્યક્રમો યોજવાની માંગ, અન્યથા રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી.
સરકારી યોજનાઓ માત્ર કાગળ પર: વાર્ષિક શિબિરો અને સ્પર્ધાઓના આયોજન ખોરવાયા
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર’ દ્વારા દર વર્ષે રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓ અને સાહસિક શિબિરોનું સુચારુ આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે વિભાગ અને જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી તથા આયોજનના અભાવે આ તમામ લોકપ્રિય પ્રકલ્પો અને યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. ચાલુ વર્ષ વિતી રહ્યું હોવા છતાં કમિશનરેટ દ્વારા વાર્ષિક કાર્યક્રમો અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન કરાતાં સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાધનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કલા મહાકુંભ, યુવા ઉત્સવ અને સાહસિક શિબિરો ન યોજાતાં યુવાનોની તકો રોળાઈ
રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા હજારો વિદ્યાર્થીઓ, રમતવીરો અને સાહસિક કલાકારો માટે પોતાની છુપાએલી પ્રતિભા દર્શાવવાનો મુખ્ય મંચ આ કાર્યક્રમો બને છે. પરંતુ આ વર્ષે ખડક ચઢાણ શિબિર, સાહસ શિબિર, વન પરિભ્રમણ, સાગરકાંઠા પરિભ્રમણ, યુવા ઉત્સવ, કલા મહાકુંભ, બાળ પ્રતિભા શોધ, બાળ નૃત્ય નાટિકા, નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા, આપણી સરહદ ઓળખો અને શઢવાળી હોડી સ્પર્ધા જેવા અતિ મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય આયોજનો હજુ સુધી યોજાયા નથી. અધિકારીઓની આંતરિક અણઆવડત અને નિષ્ક્રિયતાના કારણે રાજ્યના તેજસ્વી કલાકારો અને ખેલાડીઓનું ભવિષ્ય તેમજ તેમની સુવર્ણ તકો રોળાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી તાત્કાલિક જાહેરાત કરવા ઉગ્ર અપીલ
તંત્રની આવી આળસુ અને બિનજવાબદાર નીતિ સામે વિરોધ નોંધાવતા વિદ્યાર્થીઓ અને યુવા સમુદાયે રાજ્ય સરકાર તથા સંબંધિત મંત્રીશ્રીને કડક શબ્દોમાં ધારદાર અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે વાર્ષિક સમયપત્રક મુજબ અટકેલા તમામ કાર્યક્રમોની તારીખો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે અને આયોજનમાં અક્ષમ્ય વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવે. યુવા સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરી પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ પ્રશાસનિક જવાબદારી સરકારની રહેશે.
અહેવાલ: સતીશ પાંડે
