મુખ્ય હાઇલાઇટ્સ:
- પથિકાશ્રમથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી નામાંકન યાત્રામાં હજારો કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા.
- ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ડો. કરન બારોટ, ગૌરી દેસાઈ અને યુવરાજસિંહ જાડેજા સહિત શીર્ષ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિ.
- ૧૦ વર્ષના ભાજપ શાસન છતાં ગાંધીનગરમાં પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટની પ્રાથમિક સમસ્યાઓ યથાવત હોવાનો આક્ષેપ.
- ‘આપ’ દ્વારા અત્યાર સુધી ૨૯ ઉમેદવારોના નામ જાહેર, બાકીના નામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરમાં આપની ભવ્ય નામાંકન અને પરિવર્તન યાત્રા
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડી રહેલા પોતાના ઉમેદવારો માટે એક ભવ્ય નામાંકન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પથિકાશ્રમથી શરૂ કરીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ ‘ગાંધીનગર પરિવર્તન યાત્રા’ માં પક્ષના હજારો કાર્યકર્તાઓ, સમર્થકો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ગાંધીનગરના માર્ગો પર ‘આપ’ ના સમર્થનમાં જોરદાર નારા ગુંજી ઉઠ્યા હતા. પાર્ટી દ્વારા અત્યાર સુધી ૨૯ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિ અને ભાજપ શાસન સામે આકરા પ્રહારો
આ નામાંકન યાત્રામાં આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘આપ’ પૂરી તાકાતથી મેદાને ઉતરી છે. રાજ્યના પાટનગરમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપનું શાસન છે અને રાજ્યમાં ૩૦ વર્ષથી સરકાર છે, છતાં આજે પણ ગાંધીનગર જેવા મુખ્ય નગરમાં પીવાના પાણી, ગટર, સાફ-સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સમસ્યાઓ ઉકેલાઈ નથી, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
“નાના માણસોને મત આપશો તો કામ મોટા કરશે”: ગોપાલ ઈટાલિયા
પ્રજાને સંબોધતા ગોપાલ ઈટાલિયાએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી મોટા માણસો અને મોટા પક્ષોને મતો આપ્યા તો તેમણે કામ ખોટા કર્યા છે. જો આ વખતે જનતા નાના અને સામાન્ય માણસોને તક આપશે તો તેઓ પ્રજાહિતના મોટા કામ કરી બતાવશે. તેમણે દાવો કર્યો હતો કે જો ગાંધીનગરની જનતા ‘ઝાડૂ’ નું બટન દબાવશે તો ભાજપ અને કોંગ્રેસ બંનેનો સફાયો થઈ જશે. ગાંધીનગરમાં સારો વહીવટ અને સુદ્રઢ વ્યવસ્થા લાવવા માટે પ્રજાએ હવે એક જ સંકલ્પ કર્યો છે કે “બદલાવ એટલે આમ આદમી પાર્ટી”, અને આ ચૂંટણીમાં જનતા બદલાવ માટે મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : ચેતન રાજપૂત
