મુખ્ય હાઇલાઇટ્સ:
- સુરત કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા સંભળાવ્યા બાદ ૯ મહિનાથી નાસતો ફરતો આરોપી ગિરફ્તાર.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીની વોરંટ બજવણી ઝુંબેશ અંતર્ગત પોલીસને મળી સફળતા.
- અમરેલીના સુખનાથપરા વિસ્તારમાંથી ૬૨ વર્ષીય વાહનચાલક રસિકભાઈ સાંગાણી ઝડપાયા.
- અમરેલી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
વોરંટના આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં નામદાર કોર્ટના વોરંટના કામના આરોપીઓને શોધી કાઢી સત્વરે અટકાયત કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમે વિવિધ ગુનાઓમાં સજા પામેલા અને ફરાર આરોપીઓને પકડી પાડવા ખાસ તપાસ ચક્ર ગતિમાન કર્યા હતા.
સુરત કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ ૯ મહિનાથી ફરાર હતો આરોપી
સુરતના મેહરબાન ૧૩મા એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટના ફોજદારી કેસ નંબર ૨૭૦૯૯/૨૦૧૭ ના કામે રસિકભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી સામે સજાનું વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ દ્વારા આ કેસમાં સજા સંભળાવવામાં આવી હોવા છતાં આરોપી છેલ્લા ૯ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો અને કોર્ટમાં હાજર થયો ન હતો. જેથી કોર્ટે આરોપીને ગમે ત્યાંથી શોધી કાઢીને અટકાયત કરી રજૂ કરવા હુકમ કર્યો હતો.
અમરેલી સિટી સર્વેલન્સ ટીમે દબોચ્યો, કાયદેસરની કાર્યવાહી શરૂ
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ઝાલાની સીધી દેખરેખ હેઠળ સર્વેલન્સ ટીમે ગુપ્ત બાતમી અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે અમરેલી ટાઉન વિસ્તારમાંથી આરોપી રસિકભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી (ઉંમર વર્ષ ૬૨, ધંધો ડ્રાઈવિંગ, રહે. સુખનાથપરા, શેરી નંબર ૭, અમરેલી) ને શોધી કાઢ્યો હતો. પોલીસે સજા વોરંટની ધોરણસર બજવણી કરીને આરોપીની ધરપકડ કરી છે અને તેને સુરત કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
