મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસિટોક (આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ) અને ખુનની કોશિશના ગુનાનો આરોપી ઝડપાયો.
- છેલ્લા ૩ વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા અને ઈનામી જાહેર કરાયેલા આરોપીને ઝડપી પાડવામાં મળી સફળતા.
- હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે હાથ ધરી સફળ કામગીરી.
- કલોરાણા ગામનો ૩૮ વર્ષીય પ્રતાપભાઈ ધીરૂભાઈ ગીડા ગિરફ્તાર.
ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા આકરા આદેશ
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનતા શરીર સંબંધી ગંભીર ગુનાઓ અને સંગઠિત અપરાધોમાં નાસતા-ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આકરા આદેશો આપવામાં આવ્યા હતા. જે અન્વયે લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. આર. પરમારે ખાસ સર્વેલન્સ ટીમને કાર્યરત કરી હતી.
ગુજસિટોક અને ૩૦૭ જેવા ગંભીર ગુનાઓમાં ૩ વર્ષથી હતો ફરાર
બાબરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલા ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૩૨૫, ૩૨૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા જી.પી. એક્ટ તેમજ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ (ગુજસિટોક) ની વિવિધ કલમો હેઠળના ગંભીર ગુનામાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ તંત્ર દ્વારા તેને પકડી પાડવા માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દબોચ્યો
બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા સતત ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મેળવવામાં આવી હતી. બાતમી મળતાં જ ટીમે આરોપીનો પીછો કરી તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રતાપભાઈ ધીરૂભાઈ ગીડા (ઉંમર વર્ષ ૩૮, ધંધો ખેતી, રહે. કલોરાણા, વાડી વિસ્તાર, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી) છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પીઆઈ આર. આર. પરમારની સીધી દેખરેખ હેઠળ એએસઆઈ કિરણભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલા, રમેશભાઈ કોતર, તેમજ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ રામાણી, ગોકળભાઈ રાતડીયા, વિજયભાઈ ચારડીયા અને ભરતભાઈ મકવાણા દ્વારા પાર પાડવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
