મુખ્ય હાઇલાઇટ્સ:
- વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગંભીર કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી પકડાયો.
- ટેકનિકલ એનાલિસિસ અને લોકેશનની સતત વોચ આધારે પોલીસે હાથ ધરી હતી ગુપ્ત કામગીરી.
- મૂળ બિહારના સમસ્તીપુરનો રહીશ વિશ્વજીતકુમાર ઉર્ફે પિંકીસિંઘ કર્ણાટકના શિવમોગાથી ગિરફ્તાર.
- ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ.
રેન્જ આઈજી અને એસપીની સૂચના બાદ સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા સમગ્ર વિસ્તારમાં બનતા સાયબર ફ્રોડના ગુનાઓમાં સંસડાએલા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ અન્વયે સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ સ્ટેશનની ટીમે ગુનાનો ભેદ ઉકેલવા ખાસ ચક્ર ગતિમાન કર્યા હતા.
ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે કર્ણાટકથી આરોપી ઝડપાયો
વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ૧૩૧/૨૦૨૫ મુજબ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૧૮(૨), ૫૪ તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ ની કલમ ૬૬ (સી) મુજબના સાયબર ફ્રોડના ગુનામાં આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. વંડા પો.સ્ટે.ના ઈન્ચાર્જ પીઆઈ પી. જે. રામાણીની રાહબરી હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરીને આરોપીના લોકેશન અને ગતિવિધિઓ પર સતત વોચ રાખી હતી. ચોક્કસ બાતમી મળતાં જ વંડા પોલીસની ટીમે કર્ણાટક રાજ્યના શિવમોગા ખાતે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
બિહારનો ૨૨ વર્ષીય યુવક પકડાયો, ધોરણસરની કાર્યવાહી શરૂ
પોલીસે પકડેલા આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ વિશ્વજીતકુમાર રંજીતસિંહ ઉર્ફે પિંકીસિંઘ રાજપૂત (ઉંમર વર્ષ ૨૨, ધંધો મજૂરી, રહે. મુસાહેબસિંહ ટોલા, વોર્ડ નંબર ૦૯, મહાકાળી માતાજીના મંદિર પાસે, સમસ્તીપુર, પોલીસ સ્ટેશન સાહેબપુર કમાલ, તાલુકો અને જિલ્લો બેગુસરાઈ, બિહાર) હોવાનું સામે આવ્યું છે. વંડા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ઈન્ચાર્જ પીઆઈ પી. જે. રામાણીની આગેવાની હેઠળ વંડા પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
