મુખ્ય હાઇલાઇટ્સ:
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ગણપત યુનિવર્સિટી ખાતે ‘સેવા પખવાડા ૨૦૨૬’ નો શાનદાર પ્રારંભ.
- “નમો યુવા સંવાદ: મોદી એક વિરાટ વ્યક્તિત્વ” વિષય પર ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાનું પ્રેરણાદાયી વ્યાખ્યાન.
- ‘આમ્રકુંજ’ માં કેસર આંબાના છોડનું રોપણ, ૫૭૫ યુનિટ રક્તદાન અને ૮૫૦ લોકોએ મફત નિદાન શિબિરનો લાભ લીધો.
- અમેરિકાથી ઓનલાઇન જોડાયેલા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે (દાદા) વડાપ્રધાનશ્રીને પાઠવ્યા અભિનંદન.
- સાંજે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ૫૦૦૦ દિવડાઓ પ્રજ્વલિત કરી ‘દીપ સંકલ્પ’ મહોત્સવ યોજાયો.
ગણપત યુનિવર્સિટીના આંગણે ‘સેવા પખવાડા ૨૦૨૬’ નો પ્રારંભ
દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસના પાવન અવસરે ગણપત યુનિવર્સિટી ખાતે “સેવા પખવાડા ૨૦૨૬” નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ, મેગા વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ, હેકાથોન, “નમો યુવા સંવાદ: મોદી એક વિરાટ વ્યક્તિત્વ” વ્યાખ્યાન, ફ્રી કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક કેમ્પ (નિદાન શિબિર) અને ૫૦૦૦ દીવડાઓના પ્રાગટ્ય સાથે “દીપ સંકલ્પ” જેવા છ જેટલા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘આમ્રકુંજ’ માં કેસર આંબાનું વાવેતર અને ‘નરેન્દ્ર મોદી: એક સર્જક’ પુસ્તકનું વિમોચન
કાર્યક્રમના મુખ્ય વક્તા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તેમજ પૂર્વ આઈએએસ અધિકારી કવિ શ્રી ભાગ્યેશ જ્હાના વરદહસ્તે યુનિવર્સિટી પ્રાંગણમાં માઇક્રો ફોરેસ્ટ પાસેની ‘આમ્રકુંજ’ ધરતી પર કેસર આંબાના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. આર.કે. પટેલ અને પ્રો વાઇસ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી ગિરીશ પટેલે પણ આંબાના વૃક્ષો વાવ્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે શ્રી ભાગ્યેશ જ્હા લિખિત “નરેન્દ્ર મોદી: એક સર્જક” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના ૨૫ ઉત્કૃષ્ટ ગુણોની છણાવટ અને વૈશ્વિક નેતૃત્વની સરાહના
વિશેષ વ્યાખ્યાન “નમો યુવા સંવાદ” માં પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચન આપી સમગ્ર ગુની પરિવાર વતી વડાપ્રધાનશ્રીને રાષ્ટ્રનિર્માણમાં ૨૫ વર્ષના સમર્પિત પ્રદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકાથી ઓનલાઇન જોડાયેલા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) એ વડાપ્રધાનશ્રી સાથેની પોતાની પ્રથમ મુલાકાતના સ્મરણો વાગોળી તેમને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય વક્તા ભાગ્યેશ જ્હાએ વડાપ્રધાનશ્રીના વ્યક્તિત્વના ૨૫ વિશેષ ગુણોને ૮ ભાગોમાં વહેંચીને રજૂ કર્યા હતા. તેમણે ભારતની સાંસ્કૃતિક પુનઃજાગૃતિ, અસાધારણ વિઝન, સમયબદ્ધતા, સંગઠનાત્મક શક્તિ, ટેકનોલોજીનો વિનિયોગ, સંકટ પ્રબંધન અને “મન કી બાત” જેવા પ્રભાવશાળી વિચારોનો ઉલ્લેખ કરી તેમના સંવેદનશીલ કવિ હૃદયની પ્રશંસા કરી હતી.
રક્તદાન શિબિર, આરોગ્ય તપાસ અને ૫૦૦૦ દીપ પ્રાગટ્ય સાથે સમાપન
ગણપત યુનિવર્સિટીની હોમિયોપેથિક હોસ્પિટલ અને કોલેજના ઉપક્રમે યોજાયેલા રક્તદાન શિબિરમાં ૫૭૫ શ્રદ્ધાળુઓએ રક્તદાન કર્યું હતું, જ્યારે ૮૫૦ લોકોએ મફત આરોગ્ય નિદાન શિબિરનો લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાનની વિવિધ ઉજવણીના સમાપન અવસરે સાંજે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ૫૦૦૦ દિવડાઓ એકસાથે પ્રજ્વલિત કરીને “દીપ સંકલ્પ” ની ઝળહળતી ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ: ચેતન રાજપૂત
