મુખ્ય હાઇલાઇટ્સ:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ જાફરાબાદમાં વિવિધ દિવ્ય કાર્યક્રમોનું આયોજન.
- નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરમાં ૫૦૦૦ દીવડા પ્રજ્વલિત કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઈ.
- સવારે જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ, જ્યારે સાંજે ભવ્ય મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન.
- નગરપાલિકા પ્રમુખ, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને પોલીસ કાફલા સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા.
કામનાથ મહાદેવ મંદિરમાં ૫૦૦૦ દિવડા સાથે દીપમાળા પ્રજ્વલિત કરાઈ
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જાફરાબાદ નગરપાલિકા અને શહેરીજનોના સંયુક્ત ઉપક્રમે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવારના રોજ એક ભવ્ય અને દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશની ઉત્તરોત્તર સુખ-સમૃદ્ધિ માટે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિર પરિસરમાં નગરપાલિકા દ્વારા એકસાથે ૫૦૦૦ જેટલા દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દિવડાઓના પ્રકાશથી સમગ્ર મંદિર પરિસરા અને વાતાવરણ અલૌકિક ભક્તિરસમાં સરોબોર થઈ ગયું હતું.
સવારે રેલી તથા વૃક્ષારોપણ અને સાંજે મહાઆરતી યોજાઈ
ઉજવણીના ભાગરૂપે સવારના સમયે જાફરાબાદ શહેરમાં એક ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પર્યાવરણ જતનનો સંદેશ આપતા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. સાંજે ૭:૦૦ કલાકે ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ હેઠળ મહાદેવજીની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનો માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર નગરે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો અને નગરજનોની બહોળી હાજરી
આ પાવન પ્રસંગે જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી તેમજ કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખારવા સમાજના પટેલ અને આગેવાનો, જાફરાબાદ ટાઉન તથા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ, નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ, વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને તાલુકા કચેરીના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં જાફરાબાદના નાગરિકો હાજર રહ્યા હતા.
અહેવાલ: જીજ્ઞેશ બારૈયા જાફરાબાદ
