મુખ્ય હાઇલાઇટ્સ:
- સાણંદ તાલુકાની મામલતદાર કચેરી, નગરપાલિકા અને બેંકો સહિતની તમામ આધાર કિટો છેલ્લા ૩ મહિનાથી બંધ.
- સોફ્ટવેરમાં વારંવાર આવતા અપડેટ, સર્વર ડાઉન અને કડક પેનલ્ટીના કારણે ઓપરેટરોમાં ભારે રોષ અને કામગીરીથી અળગા રહ્યા.
- સામાન્ય કામગીરી માટે પણ સ્થાનિક રહીશો અને અરજદારોને સાણંદથી છેક અમદાવાદ સુધી ખાવા પડી રહ્યા છે ધક્કા.
- નગરપાલિકા, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીને સ્વતંત્ર કિટો ફાળવી કાયમી સ્ટાફ મૂકવા નાગરિકોની બુલંદ માંગ.
આધાર કિટો ઉપલબ્ધ હોવા છતાં ઓપરેટરોના બહિષ્કારથી કામગીરી ઠપ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કલેક્ટર કચેરી દ્વારા મામલતદાર કચેરી, નગરપાલિકા, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, કરુરવૈશ્ય બેંક તેમજ તેલાવ અને મોતીપુરા સહિતની વિવિધ ગ્રામ પંચાયતોમાં આધાર કિટો ફાળવવામાં આવી હતી. આ કિટો મારફતે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો (વીસીઈ) દ્વારા નવા આધારકાર્ડ કાઢવા તેમજ નામ-સરનામાના સુધારા-વધારા સહિતની કામગીરી કરવામાં આવતી હતી. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી સોફ્ટવેરમાં વારંવાર આવતા અપડેટ્સ અને ટેકનિકલ ખામીઓના કારણે ઓપરેટરો ભારે કંટાળી ગયા છે અને કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે.
ઓપરેટરો પર પેનલ્ટી અને સરકારી ચાર્જની વિસંગતતાથી રોષ
સરકાર દ્વારા નવું આધારકાર્ડ બનાવવા કે સુધારા કરાવવા માટે અરજદાર પાસેથી ₹૭૫ નો ચાર્જ વસૂલવામાં આવે છે, જેમાંથી ઓપરેટરને ₹૪૦ નું વળતર મળે છે. ઓપરેટરોનો આક્ષેપ છે કે કામગીરી દરમિયાન સર્વર ડાઉન હોવા છતાં કે સોફ્ટવેરની ટેકનિકલ ક્ષતિના કારણે જો એકાદ નાની ભૂલ પણ થાય તો સરકાર દ્વારા સીધી મોટી પેનલ્ટી ફટકારવામાં આવે છે. વારંવારના સર્વર પ્રોબ્લેમ અને ગ્રાહકો સાથે થતી રોજિંદી માથાકૂટથી કંટાળીને કિટો હોવા છતાં હાલમાં એક પણ ઓપરેટર આધારની કામગીરી કરવા તૈયાર નથી.
અમદાવાદ સુધી ધરમધક્કા: કાયમી સ્ટાફ અને સ્વતંત્ર કિટ ફાળવવા માંગ
સાણંદ તાલુકામાં છેલ્લા ત્રણ મહિનાથી એક પણ સ્થળે આ કામગીરી ચાલુ ન હોવાથી સ્થાનિક પ્રજા ભારે હેરાનગતિ ભોગવી રહી છે. નાના-મોટા સુધારા માટે પણ અરજદારોને સાણંદથી છેક અમદાવાદ સુધી ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. ચૂંટણી સમયે મતો લેવા આવતા રાજકીય પક્ષોના નેતાઓ પ્રજાની આ હાલાકી સમજી ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરે તેવી માંગ ઊઠી છે. સ્થાનિકોનું માનવું છે કે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા જેવી સરકારી સંસ્થાઓને કાયમી ધોરણે સ્વતંત્ર કિટો ફાળવીને કાયમી સ્ટાફની નિમણૂક કરવામાં આવે તો જ આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
