મુખ્ય હાઇલાઇટ્સ:
- ગોમતીપુરના વીર ભગતસિંહ હોલ ખાતે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાયો વિશેષ સન્માન સમારોહ.
- નિરાકાર ફાઉન્ડેશન દ્વારા ૧૭૫ મહિલા અને પુરુષ સફાઈ કામદારોનું વિશિષ્ટ બહૂમાન કરાયું.
- મહિલાઓને સાડી તેમજ પુરુષોને પેન્ટ-શર્ટનું કાપડ અને ઘડિયાળ આપી પ્રોત્સાહિત કરાયા.
- વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ અને સંસ્થાના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ.
વીર ભગતસિંહ હોલ ખાતે યોજાયો સન્માન સમારોહ
અમદાવાદ શહેરના ગોમતીપુર ખાતે આવેલા વીર ભગતસિંહ હોલ ખાતે નિરાકાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સમાજની દિન-રાત સેવા કરતા સફાઈ કામદારોના સન્માન અર્થે એક ભવ્ય અને લાગણીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ યોજાયેલા આ સન્માન સમારોહમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૭૫ જેટલા મહિલા અને પુરુષ સફાઈ કામદારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં મહત્વનું યોગદાન આપનાર આ સફાઈ સેવકોની કામગીરીને બિરદાવવા માટે આ ખાસ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.
સફાઈ સેવકોને વિવિધ ભેટ-સોગાદ આપી બહૂમાન કરાયું
આ સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત તમામ ૧૭૫ સફાઈ કામદારોનું ભાવભર્યું બહૂમાન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા મહિલા સફાઈ કામદારોને સુંદર સાડી તેમજ પુરુષ સફાઈ કામદારોને પેન્ટ-શર્ટનું કાપડ અને ઘડિયાળ ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રોત્સાહક ભેટો મેળવીને સફાઈ સેવકોના મુખ પર અનોખો આનંદ અને ગર્વ જોવા મળ્યો હતો.
સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ પ્રસંગે અનેક ગણમાન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એએમસીના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ સોની, સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ તુષાર સુતરીયા, જાઈન્ટ ઈન્ટરનેશનલ ફેડરેશનના પ્રેસિડેન્ટ સીએ રમેશ નાગર, જય ગિરનારી ચેરિટેબલ સેવા ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી નયના મહાલિયા તેમજ સુરૂદભાઈ પટેલ અને દીપકભાઈ પાટીલ જેવા અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નિરાકાર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ચંદ્રેશ મકવાણા, કમિટીના સભ્યો તેમજ માંગલ્ય ફાઉન્ડેશન અને માંગલ્ય ઈવેન્ટ્સના ફાઉન્ડર બકુલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના શ્રેષ્ઠ સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અહેવાલ: ચેતન રાજપૂત
