મુખ્ય હાઇલાઇટ્સ:
- જીએચસીએલ કંપનીના બોરવેલ તથા વોશરી પ્લાન્ટમાંથી ૧,૪૬૫ મીટર કેબલ વાયરની ચોરીનો ગુનો મરીન પીપાવાવ પોલીસે ઉકેલ્યો.
- બાતમી અને ટેકનિકલ સપોર્ટના આધારે ગણતરીના કલાકોમાં છતડીયા ગામની ૨૬ વર્ષીય મહિલા આરોપી ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપાઈ.
- આરોપી મહિલા સામે અગાઉ રાજુલા અને પીપાવાવ પોલીસ મથકે ચોરીના ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચનાથી પીઆઈ વી.કે. રાઠોડ અને ટીમની પ્રશંસનીય કામગીરી.
મીઠાના આગર અને વોશરી પ્લાન્ટમાંથી થયો હતો ₹૫૫,૦૦૦ ના કેબલની ચોરી
અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ચાંચ, ખેરા અને કથીવદર ગામના મીઠાના આગર વિસ્તારમાં જીએચસીએલ કંપનીના કુલ ૧૪ બોરવેલ મોટરના ૧,૦૪૫ મીટર પોલિકેબ કંપનીના કોપર કેબલ (કિંમત ₹૩૫,૦૦૦) તેમજ ખેરા ગામે આવેલ વોશરી પ્લાન્ટના બોરવેલ તથા મોટરના ૪૨૦ મીટર નિકોન કંપનીના કોપર કેબલ (કિંમત ₹૨૦,૦૦૦) મળી કુલ ૧,૪૬૫ મીટર લાંબા કેબલ વાયરની ચોરી થઈ હતી. કુલ ₹૫૫,૦૦૦ ના મુદ્દામાલની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે ગણતરીના કલાકોમાં મહિલા આરોપી પકડાઈ
આ અણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવા ભાવનગર રેન્જ આઈજી આર.વી. અસારી, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.કે. રાઠોડની રાહબરી હેઠળ ટીમે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ચોરીમાં સંડોવાયેલી આરોપી મહિલા મનીષાબેન દિલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૨૬, રહે. છતડીયા, હેલીપેડ પાસે, તા. રાજુલા) ને ઝડપી પાડી હતી.
ચોરાયેલા કેબલનો મુદ્દામાલ જપ્ત, રીઢો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો
પોલીસે આરોપી મહિલા પાસેથી ચોરી કરેલા કેબલ વાયરને બાળીને તેમાંથી કાઢવામાં આવેલા આશરે ૮ કિલોગ્રામ કોપર તારના ગૂંચળા (કિંમત ₹૮,૮૦૦) કબ્જે કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલી મહિલા આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી રહી છે અને તેની સામે રાજુલા પોલીસ સ્ટેશન તથા પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના દાખલ થયેલા છે. મરીન પીપાવાવ પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીથી વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
