મુખ્ય હાઇલાઇટ્સ:
- વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા ૪૦૦ કર્મચારીઓના નાણાં ચાઉં કરવાનું મોટું કૌભાંડ.
- અલ્ટ્રા મોર્ડન એજન્સી દ્વારા ૨૫ મહિનાથી ‘લીવ ઓન કેશ’ ના કરોડો રૂપિયા કર્મચારીઓના ખાતામાં જમા ન કરાયાનો ગંભીર આક્ષેપ.
- ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) ને આવેદનપત્ર આપી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કરાઈ માંગ.
- તંત્રને ૧૦ દિવસનું અલ્ટિમેટમ; યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર સત્યાગ્રહ આંદોલન કરવાની ચીમકી.
આરોગ્ય કેન્દ્રોના ૪૦૦ આઉટસોર્સ કર્મચારીઓ સાથે ઠગાઈ
વડોદરા જિલ્લા પંચાયત હસ્તક ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આશરે ૪૦૦ જેટલા આઉટસોર્સ આરોગ્ય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી પોર્ટલ મારફતે ‘અલ્ટ્રા મોર્ડન એજન્સી’ ને વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ પ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો. પરંતુ આ એજન્સી દ્વારા કર્મચારીઓને મળવાપાત્ર નાણાકીય લાભોમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરાયો છે.
૨૫ મહિનાના કરોડો રૂપિયા એજન્સી ચાઉં કરી ગઈ
ગુજરાત જનતા જાગૃતિ મંચના જણાવ્યા અનુસાર, નવેમ્બર ૨૦૨૩ થી અત્યાર સુધીના ૩૩ મહિનાના સમયગાળામાંથી એજન્સીએ કર્મચારીઓને માત્ર ૮ મહિનાના જ ‘લીવ ઓન કેશ’ એટલે કે રજાના બદલામાં મળતા રોકડ નાણાં ચૂકવ્યા છે. જ્યારે બાકીના ૨૫ મહિનાના કરોડો રૂપિયાના નાણાં કર્મચારીઓને ચૂકવવાને બદલે એજન્સી દ્વારા સારો એવો ભ્રષ્ટાચાર આચરીને ચાઉં કરી જવામાં આવ્યા છે. વાસ્તવમાં આ નાણાં એસ્ક્રો એકાઉન્ટ મારફતે સીધા જ કર્મચારીઓના બેંક ખાતામાં જમા થવા જોઈએ, પરંતુ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ડીડીઓને આવેદનપત્ર આપી ૧૦ દિવસનું અલ્ટિમેટમ આપ્યું
આ ગંભીર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી છે કે એજન્સી પાસેથી બાકી લેણી રકમ તાત્કાલિક વસૂલ કરી કર્મચારીઓને ચૂકવવામાં આવે અને શરતોનો ભંગ કરનાર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે. મંચ દ્વારા તંત્રને ૧૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો નિયત સમયમાં ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની વોર્નિંગ આપી છે. બીજી તરફ, મામલાની ગંભીરતા જોઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
