મુખ્ય હાઇલાઇટ્સ:
- વટવા જીઆઈડીસીમાં આવેલા શ્રદ્ધા એસ્ટેટના મણીધર પ્લાસ્ટો ગોડાઉનમાંથી શંકાસ્પદ ખાતરનો મોટો જથ્થો પકડાયો.
- ખેતીવાડી અધિકારીની હાજરીમાં તપાસ બાદ ૮૫૭ બોરીઓ અને ખાલી થેલીઓ સહિત ₹૨.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
- મુખ્ય આરોપી અર્જુનસિંહ સિસોદિયાની ધરપકડ; ૩ ભાગીદારો અને માલ મોકલનાર રાયમલ ભરવાડ સામે ફરિયાદ દાખલ.
- ખેડૂતો સુધી શંકાસ્પદ ખાતર પહોંચાડવાના નેટવર્ક અને અગાઉ થયેલા વેચાણ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
પોલીસ અને ખેતીવાડી વિભાગનો સંયુક્ત દરોડો
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શ્રદ્ધા એસ્ટેટમાં સ્થિત મણીધર પ્લાસ્ટો નામના ગોડાઉનમાં શંકાસ્પદ ખાતરનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી વટવા જીઆઈડીસી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ખેતીવાડી અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા. પંચોની હાજરીમાં ગોડાઉનમાં રહેલા જથ્થાની ઘન ચકાસણી કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ ખાતરની ૮૫૭ બોરીઓ તથા મોટી સંખ્યામાં ખાલી થેલીઓ મળી આવતાં સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો છે.
મુખ્ય આરોપીની ધરપકડ, ૫ સામે ગુનો નોંધાયો
સ્થળ પરથી મળી આવેલા કૌભાંડી સાહિત્ય અને શંકાસ્પદ જથ્થા અંગે ખેતીવાડી અધિકારીની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી અર્જુનસિંહ ઈશ્વરસિંહ સિસોદિયા સહિત તેના ત્રણ ભાગીદારો હિમાંશુ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલ તથા જથ્થો મોકલનાર રાયમલ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી અર્જુનસિંહની અટકાયત કરી લીધી છે અને ગોડાઉનમાંથી મળી આવેલ ₹૨,૨૯,૦૦૦ થી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખાતર નેટવર્ક અને અગાઉના વેચાણ અંગે સઘન તપાસ
હાલ પોલીસ અને ખેતીવાડી વિભાગ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ શંકાસ્પદ ખાતરનો જથ્થો રાયમલ ભરવાડ પાસે ક્યાંથી આવ્યો હતો અને ત્યાંથી અર્જુનસિંહ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યો. ગોડાઉનમાંથી મળી આવેલી ખાલી થેલીઓનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો અને અગાઉ કોઈ શંકાસ્પદ માલ ખેડૂતોને વેચવામાં આવ્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. તપાસના અંતે જ આ મોહરા પાછળ છુપાયેલા મોટા રેકેટનો પર્દાફાશ થશે.
અહેવાલ ફારૂક બિલખીયા
