મુખ્ય હાઇલાઇટ્સ:
- ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન કેબ સેવાઓ સામે અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું ૪ દિવસનું એલાન.
- ‘રોજગાર બચાવો’ આંદોલન હેઠળ ૩ લાખ રિક્ષા અને ૭૦ હજાર ટેક્સી ચાલકોના જોડાવાના દાવો વચ્ચે હડતાળને મિશ્ર પ્રતિસાદ.
- રાણીપમાં મુસાફરો ભરેલી રિક્ષા અટકાવી લોકોને અધવચ્ચે ઉતારી દેવાતા વિવાદ, પોલીસ દોડતી થઈ.
- મુસાફરોની મજબૂરીનો લાભ લઈ કાલુપુરથી શેલા જવા સામાન્ય ₹૪૦૦ ના બદલે ₹૨૫૦૦ સુધી ભાડું ઉઘરાવાયું.
ઓનલાઈન કેબ સેવાઓ સામે ૪ દિવસના બંધનું એલાન
ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન કેબ સેવાઓ સામે અમદાવાદ શહેરના રિક્ષા અને ટેક્સી ચાલકોએ આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ૪ દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. ‘રોજગાર બચાવો’ આંદોલન હેઠળ આશરે ૩ લાખ રિક્ષા અને ૭૦ હજાર ટેક્સી ચાલકો જોડાવાના કરવામાં આવેલા દાવા વચ્ચે અમદાવાદ શહેરમાં હડતાળને પહેલા દિવસે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. જાકે, આ હડતાળને કારણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડે ઉતરેલા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હડતાળની આડમાં દાદાગીરી અને મુસાફરોને અધવચ્ચે ઉતાર્યા
હડતાળને સફળ બનાવવા માટે વિવિધ યુનિયનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ નજીક મુસાફરો ભરેલી રિક્ષાને કેટલાક લોકોએ લાકડીઓ બતાવીને અટકાવી હતી અને મુસાફરોને અધવચ્ચે જ રસ્તા પર ઉતારી દીધા હોવાનો ગંભીર વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. બીજી તરફ, હડતાળમાં ન જોડાયેલા કે મજબૂરીમાં રિક્ષા ચલાવતા ચાલકો અને મુસાફરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
સામાન્ય ભાડા કરતાં પાંચગણું ભાડું વસૂલી મુસાફરોની લૂંટ
તંત્રની ઢીલી નીતિ અને ટ્રાન્સપોર્ટ સુવિધાના અભાવ વચ્ચે મુસાફરોની મજબૂરીનો લાભ લઈને કેટલાક ચાલકોએ બેફામ લૂંટ ચલાવી હતી. મુંબઈથી ઓફિશિયલ કામે આવેલા એક મુસાફર પાસેથી કાલુપુર રેલવે સ્ટેશનથી શેલા જવા માટે સામાન્ય ₹૪૦૦ ના બદલે એક ચાલકે શરૂઆતમાં ₹૨૫૦૦ માગ્યા હતા, જે આખરે ભારે રકઝક બાદ ₹૧૨૦૦ ચૂકવીને મુસાફર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. આવી જ રીતે વલસાડથી કોલેજ પ્રોજેક્ટ સબમિશન માટે આવેલી એક વિદ્યાર્થિની પાસેથી કાલુપુરથી પકવાન સર્કલ જવા માટે ₹૨૫૦ ના સ્થાને ₹૧૫૦૦ માગ્યા બાદ છેવટે ₹૬૦૦ વસૂલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં સામાન્ય નાગરિકો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
