મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાદેવળીયા ગામે ખેતરના શેઢે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો.
- ભાવનગર રેન્જ આઈજી આર.વી. અંસારી અને અમરેલી એસપી સંજય ખરાતની સૂચનાથી જુગારધામનો પર્દાફાશ.
- સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૭,૦૫૦ અને ગંજીપત્તાના સેટ સાથે ૬ આરોપીઓની ધરપકડ.
- જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસનું કડક અભિયાન
ભાવનગર રેન્જ આઈજી આર.વી. અસારી દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂ અને જુગારની બંદી નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારની રાહબરીમાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો પર સતત વોચ ગોઠવી હતી.
મોટાદેવળીયા ગામના ખેતરમાંથી ૬ આરોપીઓ ઝડપાયા
બાબરા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ અને બાતમી આધારિત હકીકત મળી હતી કે મોટાદેવળીયા ગામે ખેતરની ખુલ્લી જગ્યામાં શેઢે કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન જુગાર રમતા ૬ ઈસમોને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અવેશ સતાર ધાંચી, જયરાજ ગભરૂ ધાધલ, પ્રવીણ કીશન ગોંડલીયા, મહેશ શામજી મકવાણા, ઉનડ લખુ બસીયા અને મનુભાઈ ઓઘવજી સાનેપરાનો સમાવેશ થાય છે.
રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત
પોલીસે જુગારના અડ્ડા પરથી ભારતીય ચલણી નોટો કુલ રૂપિયા ૧૭,૦૫૦ રોકડા તેમજ ગંજીપત્તાના પત્તા કબજે કર્યા હતા. બાબરા પોલીસે કુલ રૂપિયા ૧૭,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ સફળ કામગીરીમાં આર્મ એએસઆઈ બી.એલ. પરમાર, હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર, હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી, પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ બાંભણિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
