મુખ્ય હાઇલાઇટ્સ:
- રજૂઆતકર્તા: ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના અપક્ષ સભ્ય બલભદ્રભાઈ ભગવાનદાસ વૈષ્ણવ.
- મુખ્ય માંગણીઓ: મંદિર તરફ જતા રસ્તાઓ પરથી બાવળ કટિંગ, સાફ-સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને લાઈટની સુવિધા.
- પ્રશ્ન: ચોમાસાના કારણે બાવળ ઉગી જતાં ભાવનગર-અમદાવાદ હાઇવે અને મીરાવાડી નદી વિસ્તારના રસ્તે અકસ્માતનો ભય.
- વીજ સુવિધા: ત્રણ મહિના પહેલાં મંજૂર થયેલા ૧૨ સોલર એલઇડી લાઈટના પોલ તાત્કાલિક લગાવવા અને બંધ પડેલી લાઈટો શરૂ કરવા માંગ.
- સમયમર્યાદા: પવિત્ર ગુરુપૂર્ણિમા અને શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવા રજૂઆત.

શ્રાવણ માસ અને ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારો પહેલા સફાઈ અને સુવિધાપૂર્ણ કામગીરી કરવા પાલિકા સભ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
ધંધુકા: ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના અપક્ષ સભ્ય બલભદ્રભાઈ ભગવાનદાસ વૈષ્ણવે તા. ૨૧ જુલાઈના રોજ ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરી છે. ધંધુકા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દર શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો બાલા હનુમાન મંદિર અને રાયણુ વાળા મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખીને રસ્તાઓની સ્થિતિ સુધારવા માંગ કરવામાં આવી છે.
હાલમાં ચોમાસાની ઋતુના કારણે ભાવનગર-અમદાવાદ હાઇવેથી મંદિર તરફ જતા મુખ્ય રસ્તા પર મોટા પ્રમાણમાં ઝાડ-બાવળ ઉગી નીકળ્યા છે. જેના લીધે સામસામે આવતા વાહનો ટકરાવાની અને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત મીરાવાડી નદી વિસ્તારમાંથી મેલડી માતાજી અને હનુમાનજી મંદિરે જવાના માર્ગ પર પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળતા વાહનચાલકો તેમજ પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શ્રાવણ અને ગુરુપૂર્ણિમા પહેલા કામગીરી પૂર્ણ કરવા રજૂઆત
આગામી દિવસોમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો જેવા કે ગુરુપૂર્ણિમા અને શ્રાવણ માસની શરૂઆત થઈ રહી હોય, આ ધાર્મિક પર્વો પહેલાં જ રસ્તા પરથી બાવળોનું કટિંગ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની માંગ કરાઈ છે. સાથે જ બાલા હનુમાન મંદિર, મોટા હનુમાન મંદિર, રામટેકરી મંદિર, રાયણુ વાળા મેલડી માતાજી મંદિર અને ભદ્રેશ્વર મહાદેવ મંદિર સહિત તમામ ધાર્મિક સ્થળોની આસપાસના રસ્તાઓ પર યોગ્ય સાફ-સફાઈ કરાવવા અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા વિનંતી કરાઈ છે.
રાયણુ વાળા મેલડી મંદિર રોડ પર એલઇડી પોલ શરૂ કરવા માંગ
વોર્ડ નંબર ૨ માં આવેલ શ્રી રાયણુ વાળા મેલડી માતાજીના મંદિર તરફ જતા માર્ગ પર અગાઉ ૧૨ સોલર એલઇડી લાઈટના પોલ માટે લેખિત તથા મૌખિક રજૂઆત કરીને ત્રણ મહિના અગાઉ મંજૂરી મેળવવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેથી આ પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ નવી સોલર એલઇડી લાઈટો નાખવાનું કામ પૂરું થાય અને અગાઉ બંધ પડેલા પોલને પણ ચાલુ કરવામાં આવે તેવી મક્કમ માંગ કરવામાં આવી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
