મુખ્ય હાઇલાઇટ્સ:
- ઝડપાયેલ આરોપી: રમેશભાઈ સાકળભાઈ માચ્છી (ઉં.વ. ૫૫, રહે. સોનીપુર, તા. ગળથેશ્વર, જિ. ખેડા).
- ગુનાની ગંભીરતા: વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને પોક્સો ગુનામાં ૨૭ માસથી વોન્ટેડ હતો.
- ટ્રેપનું સ્થળ: લાઠી રોડ ચોકડી બાયપાસ, અમરેલી.
- કામગીરી કરનાર ટીમ: એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.જી. સાપરા, એ.એસ.આઈ. એ.એમ. સોલંકી, હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન ચૌહાણ અને ટીમ.
પેરોલ ફર્લો સ્ક્વોર્ડે લાઠી રોડ ચોકડી બાયપાસ પરથી પકડ્યો, સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પિતાની મદદગારી બદલ વોન્ટેડ હતો
અમરેલી: ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓ આચરીને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તેમજ કેદીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અમરેલી પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી.) ની પેરોલ ફર્લો સ્ક્વોર્ડે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ૨૭ માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, વડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી.) ની કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૧૮ હેઠળ ગુનો નોંધાયેલો હતો. જેમાં આરોપીના પુત્ર દ્વારા એક સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને બદકામના ઇરાદે ભગાડી જવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં પિતા રમેશભાઈ સાકળભાઈ માચ્છીની મદદગારી સામે આવી હતી, જે બાદ તેઓ છેલ્લા ૨૭ મહિનાથી કાયદાની પકડથી બચવા નાસતા ફરતા હતા.
દરમિયાન એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જી. સાપરા અને તેમની ટીમને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સ આધારે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે અમરેલીના લાઠી રોડ ચોકડી બાયપાસ ખાતે વોચ ગોઠવી હતી અને ફરાર આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વડીયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા, અમરેલી
