મુખ્ય હાઇલાઇટ્સ:
- દીપડાની દહેશત: અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ.
- નવા વિસ્તારમાં દેખાયો: શેલા-ઘુમા બાદ હવે ત્યાંથી ૨૬ કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયાનો દાવો.
- ઘુમામાં બંગલામાં ઘૂસ્યો: ૧૯મી જુલાઈની રાત્રે ઘુમાની સોસાયટીના બંગલાની દીવાલ કૂદીને દીપડો અંદર પ્રવેશ્યો હતો.
- તંત્રમાં દોડધામ: એક જ દીપડો ૨૬ કિલોમીટર ફર્યો છે કે શહેરમાં અન્ય દીપડો ઘૂસ્યો છે તેને લઈને અટકળો તેજ.
અમદાવાદ:
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની સક્રિય હાજરી જોવા મળતાં નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ સર્જાયો છે. પહેલા શહેરના શેલા અને ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ત્યાંથી આશરે ૨૬ કિલોમીટર દૂર આવેલા ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાના દાવા સામે આવ્યા છે. જેને પગલે સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં દહેશતનો વ્યાપ વધી ગયો છે.
શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડા-ઝુંડાલમાં દીપડો દેખાયાનો દાવો
ગત ૨૦મી જુલાઈની રાત્રે ઝુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે દીપડો દેખાયો હોવાના દાવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ પૂર્વે ૧૯મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના પોશ ગણાતા ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ઘુમાની શરણદીપ સોસાયટીના એક બંગલાની દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસ્યો હતો, જેના પછી સોસાયટીના કૂતરા તેની પાછળ દોડ્યા હતા. આ ઘટના બાદ ઘુમા, શેલા અને બોપલ પંથકના સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક જ દીપડો છે કે અન્ય કોઈ? વન વિભાગ અને તંત્રમાં દોડધામ
શેલા-ઘુમા વિસ્તાર બાદ હવે ત્યાંથી આશરે ૨૬ કિલોમીટર દૂર ચાંદખેડા-ઝુંડાલ પંથકમાં દીપડો દેખાવાની માહિતી મળતાં જ વન વિભાગ અને સંબંધિત તંત્રની દોડધામ વધી ગઈ છે. હાલ નાગરિકો અને તંત્રમાં એ જ અટકળો ચાલી રહી છે કે આ એ જ દીપડો છે જે શેલાથી સ્થળાંતર કરીને ઝુંડાલ પહોંચ્યો છે કે પછી શહેરમાં કોઈ અન્ય દીપડો પણ ઘૂસી આવ્યો છે. વન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ અને વાઇરલ તસવીરોની ચકાસણી કરીને આગળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
