મુખ્ય હાઇલાઇટ્સ:
- ગંભીર સમસ્યા: માંડલ નગરમાં ૧૫ હજારથી વધુ વસ્તી ભુગર્ભ ગટરની વિકટ સમસ્યાથી પરેશાન.
- રહીશોનો આક્રોશ: લીમડીવાળા વિસ્તારમાં ગંદા પાણી ઉભરાતા સ્થાનિક મહિલાઓ ગ્રામ પંચાયત પહોંચી.
- મશીનનો અભાવ: ચોમાસાને કારણે અન્ય શહેરોમાંથી ભાડે જેટીંગ મશીન મળવામાં પડતી મુશ્કેલી.
- કાયમી ઉકેલ: તાલુકા વિકાસ અધિકારીનું આશ્વાસન, આગામી બે માસમાં તાલુકાને પોતાનું જેટીંગ મશીન ફાળવાશે.
- વ્યાપક ફાયદો: આ મશીન માત્ર માંડલ જ નહીં પરંતુ આખાય તાલુકાની ગ્રામ પંચાયતો માટે ઉપયોગી બનશે.
લીમડીવાળા વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રહીશોનું જીવવું દુષ્કર, તાલુકા વિકાસ અધિકારીએ આપ્યું આશ્વાસન
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા મથકે વર્ષોથી કાર્યરત ભુગર્ભ ગટર યોજના હાલમાં જર્જરિત બની ગઈ છે. ૧૫ હજારથી વધુ વસ્તી ધરાવતા આ નગરમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ગટરો ઉભરાવવાની સમસ્યા એટલી વિકટ બની છે કે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બજાર વિસ્તાર હોય કે દલિત મહોલ્લા, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ દરમિયાન ગંદા પાણી ઉભરાતા હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
હાલમાં માંડલના લીમડીવાળા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધને કારણે રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે તાજેતરમાં સ્થાનિક મહિલાઓનું એક પ્રતિનિધિમંડળ ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું. પંચાયત દ્વારા અત્યાર સુધી અન્ય શહેરોમાંથી ભાડે જેટીંગ મશીન લાવી કામ ચલાવવામાં આવતું હતું, પરંતુ ચોમાસાની સીઝનને કારણે મશીન મળવા મુશ્કેલ બન્યા છે.
આ અંગે માંડલના તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ચોમાસામાં તમામ જગ્યાએ ગટરની સમસ્યા હોવાથી બહારથી ભાડે મશીન મળવા અશક્ય બન્યા છે. જોકે, તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા કહ્યું કે, અમોએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જિલ્લા પંચાયત પાસે જેટીંગ મશીનની માંગણી કરી છે. આગામી એકાદ-દોઢ મહિનાની અંદર આ જેટીંગ મશીન માંડલને ફાળવી દેવામાં આવશે, જેનો ઉપયોગ આખાય તાલુકાની ગ્રામ પંચાયતો માટે થઈ શકશે. તંત્રના આ આશ્વાસન બાદ સ્થાનિકો હવે કેટલા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવે છે તેની રાહ જોઈ રહ્યા છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
