મુખ્ય હાઇલાઇટ્સ:
- સુરક્ષા એલર્ટ: રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ અને વોચ.
- હથિયારોનો મોટો જથ્થો: ગોમતીપુરમાં મટન શોપમાંથી ૧૬ તલવાર અને ૧ ધારિયું કબજે.
- નશીલા પદાર્થો: એસઓજી દ્વારા ૭ કિલો ગાંજો અને ૨૫ લાખની રોકડ સાથે આરોપીની ધરપકડ.
- ગુનેગારોનું નેટવર્ક: પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ મારામારી, એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.
- સખત કાર્યવાહી: હથિયાર અને માદક દ્રવ્યોની હેરફેર રોકવા માટે પોલીસની લાલ આંખ, આગામી દિવસોમાં પણ તપાસ યથાવત રહેશે.
અમદાવાદમાં આગામી રથયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. શહેર પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચ અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરીને ગુનાહિત માનસ ધરાવતા શખ્સો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીના પગલે હથિયારો અને નશીલા પદાર્થો સાથે અનેક ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
ગોમતીપુરમાં મટન શોપમાંથી ૧૬ તલવાર અને ધારિયાનો જથ્થો ઝડપાયો
રથયાત્રા પૂર્વે માહોલ ન બગડે તે માટે પોલીસ સતત કાર્યરત છે. આ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ઝઘડતા જોયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે તેમાંથી એક આરોપી અમીરમિયા ઉર્ફે બબૂલ શેખની મટન શોપમાં તપાસ કરવામાં આવતા દુકાનમાંથી ૧૬ તલવાર અને એક ધારિયું મળી આવ્યું હતું. આરોપીએ ભત્રીજા સાથેના જૂના ઝઘડાનો બદલો લેવા આ હથિયારો રાખ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે અમીરમિયા અને તેના સાથી ફુઝેલ ઉર્ફે ટીકુ અંસારીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે અમીરમિયા સામે અગાઉ મારામારી, પ્રોહિબિશન અને જુગારના અનેક કેસો નોંધાયેલા છે.
એસઓજીની ટીમે હથિયાર અને ગાંજા સાથે આરોપીઓને દબોચ્યા
શહેરમાં અન્ય એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં એસઓજીની ટીમે નારોલ-વિશાલ તરફ જતા રોડ પરથી અયાજ ઉર્ફે લાલા મન્સુરીને દેશી કટ્ટા અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે આ હથિયાર ત્રણ મહિના પહેલા ફતેવાડી વિસ્તારમાંથી ખરીદ્યા હતા. આ ઉપરાંત, વટવા વિસ્તારમાંથી મોહમંદ સિદીક ઉર્ફે કન્યા મન્સુરીને દેશી પિસ્ટલ અને તમંચા સાથે દબોચી લેવાયો છે. આરોપીએ આ હથિયારો રિક્ષામાં ભૂલી ગયેલા મુસાફરના સામાનમાંથી મળ્યા હોવાનું વિચિત્ર બહાનું કાઢ્યું હતું. આ તમામ આરોપીઓ ભૂતકાળમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
૨૫ લાખની રોકડ અને ૭ કિલો ગાંજો કબજે
એસઓજીની ટીમે વેજલપુર વિસ્તારમાં રહેતા ઇકબાલ ઉર્ફે શાહરૂખ શેખને ૩.૫૬ લાખની કિંમતના ૭.૧૨૦ કિલો ગાંજા સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપીના ઘરમાં તપાસ કરતા વધુ ૨૫ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે આ જથ્થો તે નરોલમાં રહેતા મૂળ ઓડિશાના એક શખ્સ પાસેથી લાવ્યો હતો. આમ, પોલીસે કુલ ૨૮.૬૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીને જેલ હવાલે કર્યો છે. રથયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા હજુ પણ સઘન પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી ચાલુ રહેશે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
