મુખ્ય હાઇલાઇટ્સ:
- ગંભીર આક્ષેપો: રામ મંદિર દાનમાં થયેલી કથિત ચોરીને અશોક ગેહલોતે આસ્થા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો.
- રાજકીય નિશાન: ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ પર ફાળાના નામે રાજકીય લૂંટનો આક્ષેપ.
- જવાબદારીના સવાલો: ટ્રસ્ટના હોદ્દેદારોના રાજીનામા અને તપાસ સામેના ડર પર વડાપ્રધાનની દેખરેખ હેઠળ બનેલા ટ્રસ્ટની કામગીરી પર પ્રશ્નો.
- નાણાકીય ગેરરીતિઓ: પ્રાણ-પ્રતિષ્ઠા અને અન્ય મોટા આયોજનોમાં કરોડોના ખર્ચની એસઆઈટી દ્વારા તપાસ.
- વ્યવસ્થા સામે રોષ: અયોધ્યાની પરંપરાગત મહંત પરંપરાને અવગણીને આરએસએસના સીધા નિયંત્રણ સામે સવાલો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રામ મંદિર નિર્માણ ફાળામાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ આખા મામલાને ‘આસ્થાના નામે રાજનીતિ’ અને ‘ચઢાવાના નામે લૂંટ’ ગણાવી ભાજપ અને સંઘ પરિવારને ભીંસમાં લીધા હતા. ગેહલોતે સીધો આક્ષેપ કરતા કહ્યું કે ભગવાન શ્રીરામના નામે એકત્ર કરવામાં આવેલો ફાળો રાજકીય લૂંટનો ભોગ બન્યો છે.
“ભક્તોની આસ્થા અને મહેનતની કમાણીનું અપમાન”
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, દેશભરના ગરીબ, ખેડૂત, મજૂર અને સામાન્ય નાગરિકોએ પોતાની બચત અને ઘરેણાં રામ મંદિરના નિર્માણ માટે અર્પણ કર્યા હતા. આજે આ કરોડો રામભક્તો એ જાણવા આતુર છે કે ભગવાનના નામે આવેલો ફાળો આખરે કોના સંરક્ષણમાં લૂંટાયો છે? તેમણે સવાલ કર્યો હતો કે જો ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની નૈતિક જવાબદારી કોણ લેશે? તેમણે ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તરફ ઈશારો કરીને પૂછ્યું કે જો બધું જ પારદર્શક હતું, તો તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખથી ડર કેમ લાગે છે?
સંઘી વ્યવસ્થા પર સવાલો અને મંદિર પર કબજાની આશંકા
ગેહલોતે આક્ષેપ કર્યો કે આ સમસ્યા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ જે રીતે આરએસએસ દ્વારા આ મંદિર વ્યવસ્થાનું નિયંત્રણ કરવામાં આવ્યું છે તે મુખ્ય મૂળ છે. તેમણે જણાવ્યું કે પહેલા ચંદો, ત્યારબાદ જમીન અને હવે નિર્માણ સામગ્રી તથા ચઢાવા – એમ દરેક સ્તરે લૂંટ ચલાવવામાં આવી છે. અયોધ્યાની પરંપરાગત મહંત પરંપરાને બાજુ પર રાખીને આરએસએસ કેમ આ મંદિર પર સંપૂર્ણ કબજો કરવા ઈચ્છે છે? તેવો ગંભીર સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
એસઆઈટી દ્વારા મોટા ખર્ચાઓની તપાસ
તપાસના મુદ્દે વાત કરતા ગેહલોતે જણાવ્યું કે, હાલ એસઆઈટી દ્વારા શ્રીરામ મંદિરના આયોજનો પાછળ થયેલા ખર્ચની તપાસ થઈ રહી છે. જેમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ની પ્રાણ-પ્રતિષ્ઠામાં ૧૧૩ કરોડનો ખર્ચ અને ૨૫ નવેમ્બર ૨૦૨૫ના ધ્વજારોહણ કાર્યક્રમમાં ૧૦.૧૨ કરોડના ખર્ચ સામે શંકા સેવાઈ રહી છે. નકલી રસીદો, રોકડ ચઢાવામાં ગોટાળા અને હિસાબ-કિતાબમાં મળેલી ગેરરીતિઓના ગંભીર આરોપો વચ્ચે આ મામલો હવે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
