મુખ્ય હાઇલાઇટ્સ:
- કુલ ખર્ચ: રૂપિયા ૬૦.૬૮ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થયો.
- કુલ આવાસ: ૧૮૮ અત્યાધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
- લાભાન્વિતો: વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ના કુલ ૧૮૮ અધિકારી-કર્મચારી પરિવારોને લાભ.
- મુખ્ય સ્થળો: શાહીબાગ, એલ.ડી. કોલેજ અને ફોટો લીથો પ્રેસ કોલોનીમાં આધુનિક ટાવર્સનું નિર્માણ.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ૧૨ જુલાઈના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી આવાસોનું ઇ-લોકાર્પણ કરશે. રૂપિયા ૬૦.૬૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ચાર ટાવરોમાં કુલ ૧૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો સીધો લાભ વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ના સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પરિવાર સાથે રહેવા માટે મળશે.
આ નવનિર્મિત આવાસોમાં વિવિધ કેટેગરી મુજબ ફાળવણી કરવામાં આવી છે, જેમાં ઇ-કેટેગરીના ૪૦, ડી-૧ કેટેગરીના ૫૨, સી-કેટેગરીના ૫૨ અને બી-કેટેગરીના ૪૪ આવાસોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગ-૧ ના ૪૦, વર્ગ-૨ ના ૧૦૪ અને વર્ગ-૩ ના ૪૪ અધિકારી-કર્મચારીઓ સહિત કુલ ૧૮૮ પરિવારોને અત્યાધુનિક સુવિધાવાળા સરકારી આવાસો ફાળવવામાં આવશે.
કયા વિસ્તારમાં કયા આવાસોનું નિર્માણ? સરકાર દ્વારા આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શાહીબાગ ખાતે ‘ઇ’ કેટેગરીના આવાસો અને એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે સુન્દરમ કોલોનીમાં ડી-૧ કેટેગરીના મલ્ટી સ્ટોરી ટાવરનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, શાહીબાગ પોલીસ સ્ટેડિયમની સામે ૧૩ માળના સી-કેટેગરીના ક્વાર્ટર્સ અને ફોટો લીથો પ્રેસ કોલોની ખાતે ૧૧ માળના બી-કેટેગરીના મલ્ટી સ્ટોરી ટાવર તૈયાર કરવામાં આવ્યા છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
