મુખ્ય હાઇલાઇટ્સ:
- પાણી પુરવઠો ઠપ્પ: ભારે વરસાદ અને પૂરના પ્રચંડ પ્રવાહના કારણે ચલાલા શહેરની મુખ્ય પાણીની લાઇન તૂટી ગઈ.
- ઘટનાસ્થળ: મોરઝર હોકળા વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પાઇપલાઇનને મોટું નુકસાન થયું.
- કામગીરીમાં વિલંબ: અંદાજે ૮ ફૂટ ઊંડે રેતીના થર નીચે અને પાણી ભરાયેલા વિસ્તારમાં લાઇન દબાયેલી હોવાથી મુશ્કેલી વધી.
- પાલિકાની અપીલ: આગામી ૧ થી ૨ દિવસ સુધી પાણી વિતરણ બંધ કે અનિયમિત રહેવાની શક્યતા હોવાથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી.
- અન્ય તંત્રની મદદ: પાણીના નિકાલ માટે સાવરકુંડલા નગરપાલિકાથી ખાસ મોટો પંપસેટ ચલાલા મંગાવવામાં આવ્યો.
- ખડેપગે સ્ટાફ: પાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, કારોબારી ચેરમેન અને ૧૨ કર્મચારીઓની ટીમ જેસીબી સાથે સતત મરામતમાં વ્યસ્ત.
સતત વરસાદ અને ૮ ફૂટ ઊંડા પાણી વચ્ચે પાલિકાની ટીમની મરામત કામગીરી; સાવરકુંડલાથી પંપસેટ મંગાવાયો, પ્રમુખ જયરાજભાઈ વાળાએ પરિસ્થિતિ વણસી ન જાય તે માટે કરી ખાસ વિનંતી
ચલાલા (અમરેલી): અમરેલી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે જનજીવન અને સરકારી સુવિધાઓ પર જોવા મળી રહી છે. ચલાલા શહેરમાં ભારે વરસાદ અને નદી-નાળામાં આવેલા પાણીના પ્રચંડ પ્રવાહને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચલાલા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન મોરઝર હોકળા વિસ્તારમાં ધસમસતા પ્રવાહના કારણે તૂટી ગઈ છે. આ લાઇન તૂટી જતાં ચલાલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને આગામી દિવસોમાં શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ભારે વરસાદ વચ્ચે યુદ્ધના ધોરણે કામગીરી: ૮ ફૂટ ઊંડી રેતીમાં ફસાઈ પાઇપલાઇન
ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. પાલિકા દ્વારા જેસીબી મશીન, ટ્રેક્ટર અને ૧૨ જેટલા કુશળ કર્મચારીઓની સ્પેશિયલ ટીમ બનાવીને ધોધમાર વરસાદ અને નદીના વહેતા પાણી વચ્ચે આખો દિવસ સમારકામની કામગીરી ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન એક તરફનો ડીઆઇ પાઇપ મળી આવ્યો છે, પરંતુ બીજી તરફની લાઇન નદીના પટમાં અંદાજે ૮ ફૂટ ઊંડે રેતીના થર નીચે અને પાણી ભરાયેલા વિસ્તારમાં દબાઈ ગઈ હોવાથી કામગીરીમાં ભારે અવરોધ અને વિલંબ થઈ રહ્યો છે.
સાવરકુંડલાથી સ્પેશિયલ પંપસેટ મંગાવાયો: સવારે ૭ વાગ્યાથી ફરી કામ શરૂ થશે
ભરાયેલા પાણીના કારણે કામગીરી અટકી ન પડે તે માટે ચલાલા નગરપાલિકા દ્વારા પડોશી સાવરકુંડલા નગરપાલિકાના ખાસ પંપસેટની મદદ લેવામાં આવી છે. આ પંપસેટ દ્વારા ખાડામાંથી પાણી ઉલેચવામાં આવશે. રાત્રિના અંધકારને કારણે કામગીરી અટકાવવી પડી હોવાથી હવે આવતીકાલે સવારે ૭ વાગ્યાથી જ ફરીથી યુદ્ધના ધોરણે લાઇન સાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખે શહેરના તમામ જાગૃત નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે, હજુ લાઇન સરખી થતાં આગામી એકથી બે દિવસનો સમય લાગી શકે તેમ છે, જેથી ઘરમાં સંગ્રહ કરેલા પાણીનો અત્યંત કરકસરપૂર્વક અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો.
પાલિકા પ્રમુખે આખી ટીમની કામગીરીને બિરદાવી
આ કપરી પરિસ્થિતિમાં આખો દિવસ સ્થળ પર હાજર રહીને કામગીરીનું સીધું સુપરવિઝન કરનારા કારોબારી ચેરમેન ભરતભાઈ સોલંકી, સિનિયર સભ્ય પરેશભાઈ કાથરોટિયા તેમજ પાણી પુરવઠા વિભાગની આખી ટીમ, નગરપાલિકાના તમામ સભ્યો અને નગરસેવકોની પ્રશંસનીય ફરજને પ્રમુખ જયરાજભાઈ વાળાએ બિરદાવી હતી અને મુશ્કેલ સમયમાં ખડેપગે રહેવા બદલ તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: બિપીન રાઠોડ ચલાલા (અમરેલી)
