મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટી સફળતા: અમદાવાદ ગ્રામ્યની કોઠ પોલીસે વટામણ ચોકડી પાસેથી રૂ. ૨ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
- શંકાસ્પદ વાહન: કારના કાચ પર બ્લેક ફિલ્મ અને અકસ્માત થયેલો હોવાથી પોલીસે શંકાના આધારે ગાડી અટકાવી હતી.
- મુદ્દામાલ જપ્ત: દારૂની ૬૬૧ બોટલો, કાર, ૩ મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૭.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
- રાજકોટના ૩ શખ્સો ઝડપાયા: મૌલિક ડાભી, અનીકેતુ ચાવડા અને યાજ્ઞીક મહેતા નામના ત્રણ બુટલેગરોની ધરપકડ.
- અનોખું બહાનું: દીકરાના જન્મની ખુશીમાં પાર્ટી કરવા માટે દમણથી ગેરકાયદેસર દારૂ લાવ્યા હોવાની આરોપીઓની કબૂલાત.
દમણથી દારૂ લાવી પુત્રના જન્મની પાર્ટી કરવાની હતી ગણતરી; પોલીસે કાર અને મોબાઇલ સહિત ૭.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ જિલ્લાના વટામણ ચોકડી વિસ્તારમાંથી કોઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે હાઇવે પર પેટ્રોલિંગ અને કડક વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વૈભવી કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે રાજકોટના ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાળા કાચ અને અકસ્માતગ્રસ્ત કારે ખોલી પોલ: બગાસું ખાતાં પતાસું મળ્યું
ઘટનાની વિગત એવી છે કે, કોઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વટામણ ચોકડી ખાતે નિયમ મુજબ વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તારાપુર તરફથી આવી રહેલી એક કાળા કલરની શંકાસ્પદ કાર (જીજે-૦૩-પીજે-૦૦૨૨) પર પોલીસની નજર પડી હતી. આ કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી હતી અને તેની ખાલી સાઇડના ભાગે અકસ્માત થયેલો હતો. કારની આવી સ્થિતિ જોઈને પોલીસને શંકા જતાં તેમણે તુરંત જ ગાડીને રોડની સાઇડમાં કરાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ માટે આ ચેકિંગ ‘બગાસું ખાતાં પતાસું મળવા’ જેવું સાબિત થયું હતું.
વાદળી કલરના ઝબલામાંથી મળી આવી દારૂની ૬૬૧ બોટલ
પોલીસે કારને અટકાવી તેમાં સવાર ત્રણ ઇસમોને નીચે ઉતાર્યા હતા અને ગાડીની સઘન તલાશી લીધી હતી. કારની અંદર તપાસ કરતાં વાદળી કલરના મોટા ઝબલાઓમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૬૬૧ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ૨,૦૦,૮૦૨ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂના આ જથ્થા સાથે કારમાં સવાર મૌલિકભાઈ રાજેશભાઈ ડાભી (રહે. કોઠારીયા રોડ, હુડકો ચોકડી, રાજકોટ શહેર), અનીકેતુ સંજયભાઈ ચાવડા (રહે. હુડકો આશાપુરા, શેરી નંબર ૪, રાજકોટ શહેર) અને યાજ્ઞીક મનીષભાઈ મહેતા (રહે. રણુજા મંદિર પાછળ, શિવધામ-૦૩, રાજકોટ)ની ધરપકડ કરી લીધી હતી.
દીકરાના જન્મની ખુશીમાં પાર્ટી આપવા દમણથી દારૂ લાવ્યા હોવાની કબૂલાત
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના ઘરે દીકરાનો જન્મ થયો હોવાથી તેની ખુશીમાં મિત્રોને પાર્ટી આપવાની ગણતરી હતી. આ બર્થડે પાર્ટીની ઉજવણી માટે તેઓ ખાસ દમણ ખાતેથી આ દારૂનો જથ્થો સસ્તા ભાવે ખરીદીને રાજકોટ લઈ જઈ રહ્યા હતા. પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ૫,૦૦,૦૦૦ રૂપિયાની કાર, ૧૧,૦૦૦ રૂપિયાની કિંમતના ૩ નંગ મોબાઇલ ફોન, ૧,૫૦૦ રૂપિયાની રોકડ રકમ અને ૨ લાખથી વધુનો દારૂ મળી કુલ ૭,૧૩,૩૦૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની તપાસ શરૂ કરી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ:
