મુખ્ય હાઇલાઇટ્સ:
- બે દાયકા જૂનો ફરાર આરોપી પકડાયો: ધારી કોર્ટના વર્ષ ૨૦૦૬ ના ફોજદારી કેસમાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો.
- આરોપીની ઓળખ: પકડાયેલ આરોપી પ્રથમેશકુમાર બીપીનચંદ્ર પંડ્યા (ઉંમર વર્ષ ૫૫), રહે. વડોદરા.
- ગુપ્ત ઓપરેશન: હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વડોદરા ખાતેથી આરોપીને હસ્તગત કર્યો.
- ચુસ્ત નેતૃત્વ: ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચનાથી મળી મોટી સફળતા.
નાસતા ફરતા ગુનેગારોને પકડવા પોલીસ વડાની કડક સૂચના
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ જમ્પ કેદીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેના પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ, ફરાર કેદીઓ અને નામદાર કોર્ટોના ક્રિમિનલ ટાર્ગેટેડ કેસોના વોરંટવાળા આરોપીઓ વિરુદ્ધ કડક અને અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને આપતો હતો હાથતાળી
નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નંબર-૨૭૦/૨૦૦૬ ના કામે આરોપી પ્રથમેશકુમાર બીપીનચંદ્ર પંડ્યા પકડ વોરંટ હોવા છતાં છેલ્લા વીસ વર્ષથી ફરાર હતો અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળી રહ્યો હતો.
ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી વડોદરાથી ઝડપાયો
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સાપરા અને તેમની ટીમ સતત કાર્યરત હતી. આ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી સચોટ હકીકત મેળવી, ફરાર આરોપી પ્રથમેશકુમાર પંડ્યાને વડોદરા (રહે. વડોદરા, વિજયનગર, હરણી વારસીયા રિંગ રોડ, તા.જિ. વડોદરા) ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓની ટીમ
આ પ્રશંસનીય કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સાપરા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.સોલંકી તથા આઉટ સોર્સ ડ્રાઈવર અશ્વિનભાઈ ચાવડા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
