મુખ્ય હાઇલાઇટ્સ:
- આંદોલનની શરૂઆત: ધંધુકા, ધોલેરા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના ૪૦૦થી વધુ તલાટીઓ શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા.
- મુખ્ય માંગણી: પંચાયત તલાટી અને રેવન્યુ તલાટી વચ્ચે કામની સ્પષ્ટ વહેંચણી કરતો ‘જોબ ચાર્ટ’ વહેલી તકે જાહેર કરવામાં આવે.
- કામગીરીનો બહિષ્કાર: તલાટીઓએ મહેસૂલી નમૂના નંબર ૧ થી ૧૮ સહિતની તમામ સરકારી મહેસૂલી કામગીરી બંધ કરી દીધી.
- સરકારની ઉદાસીનતા: વર્ષ ૨૦૨૨માં સરકારે કમિટી બનાવી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી પણ જોબ ચાર્ટ અલગ ન થતાં તલાટી મંડળમાં ભારે નારાજગી.
- માત્ર પંચાયતનું કામ: અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયાના જણાવ્યા મુજબ તલાટીઓ માત્ર પંચાયત અને ગ્રામ વિકાસનું જ કામ કરશે.
પંચાયત તલાટી અને રેવન્યુ તલાટી વચ્ચે કામની વહેંચણીનો સ્પષ્ટ જોબ ચાર્ટ બનાવવાની લાંબા સમયની માંગણી ન સંતોષાતા અમદાવાદ જિલ્લાના તલાટીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના ૪૦૦થી વધુ તલાટીઓ શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. તલાટીઓએ મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને માત્ર પંચાયતનું જ કામ કરવાનો નિર્ણય લેતાં ગ્રામ્ય સ્તરે મહેસૂલી કામકાજ ખોરવાઈ ગયું છે.
ત્રણ વર્ષ વીતવા છતાં જોબ ચાર્ટ અલગ ન થતાં તલાટીઓમાં ઉગ્ર રોષ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯થી રેવન્યુ તલાટીઓની ભરતી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨માં જ્યારે તલાટી મહામંડળે પોતાની હડતાલ સમેટી હતી, ત્યારે સરકારે બંને કેડરના તલાટીઓ વચ્ચે કામની વહેંચણીનો જોબ ચાર્ટ અલગ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. જો કે, આ વાતને ત્રણ વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ કાયમી નિર્ણય લેવાયો નથી. તલાટી મહામંડળે ગત મહિને જ સરકારને લેખિત ચીમકી આપી હતી કે, નવી નિમણૂક પામેલા મહેસૂલ તલાટીઓને કોલ લેટર અપાય તે પહેલા જોબ ચાર્ટ અલગ કરવામાં આવે. પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન ભરાતા આખરે શુક્રવારથી આ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
નમૂના નંબર ૧ થી ૧૮ સહિતની તમામ મહેસૂલી કામગીરી બંધ
અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયાના જણાવ્યા અનુસાર, મહામંડળના આદેશને પગલે અમદાવાદ જિલ્લાના ૪૦૦થી વધુ તલાટીઓ આ આંદોલનમાં જોડાઈ ગયા છે. તલાટીઓએ કડક વલણ અપનાવીને મહેસૂલી નમૂના નંબર ૧ થી ૧૮ સહિતની તમામ વધારાની કામગીરી શુક્રવારથી તદ્દન બંધ કરી દીધી છે. તલાટીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ માત્ર પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયની કોઈ પણ મહેસૂલી કામગીરી હાથ પર લેશે નહીં. તલાટીઓની આ હડતાલના કારણે ખેડૂતો અને ગ્રામજનોને મહેસૂલી નકલ અને દાખલા મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
