મુખ્ય હાઇલાઇટ્સ:
- ચકચારી કુરિવાજનો પર્દાફાશ: ધોરાજીમાં પતિના અવસાનના ત્રીજા જ દિવસે વિધવા પુત્રવધૂનું બળજબરીથી મુંડન કરાવી દેવાના મામલે સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી અને ચકચાર.
- મિલકતનો વિવાદ મુખ્ય કારણ: કેન્સરથી અવસાન પામેલા પુત્રની મિલકત હડપ કરવા અને પુત્રવધૂને હક્ક-હિસ્સો ન આપવા સાસુએ અંધશ્રદ્ધાનું કાવતરું રચ્યાનું બહાર આવ્યું.
- જાથા સમક્ષ માફીનામું: ભારત જન વિજ્ઞાન જાથાની કડક તપાસ અને રૂબરૂ મુલાકાત બાદ સાસુ, સસરા અને નણંદે જાહેરમાં ભૂલ સ્વીકારી લેખિત માફીપત્ર આપ્યું.
- કાયદાકીય સકંજો: પીડિત પુત્રવધૂએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કડક કલમો હેઠળ ગુનો દાખલ.
- સંગઠનની નિંદા: મહિલાનું મુંડન કરાવવું એ ઘોર સામાજિક પાપ અને અત્યાચાર હોવાનું જણાવી વિજ્ઞાન જાથાએ આ પ્રથાને કાયમી તિલાંજલિ આપવા હાકલ કરી.
- અહેવાલ: ભાવેશ વાઘેલા, અમરેલી.
પતિના મોતના આઘાત વચ્ચે જ સાસુએ અંધશ્રદ્ધાની આડમાં રચ્યું હીન ષડયંત્ર
રાજકોટ/ધોરાજી: આધુનિક યુગમાં પણ મહિલાઓ પર થતા અત્યાચારો અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન એક હૃદયદ્રાવક ઘટના ધોરાજી પંથકમાંથી સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા ભાદાભાઈ જાગાણીના પુત્ર ચંદ્રેશનું આંતરડાના કેન્સરના કારણે કરુણ અવસાન થયું હતું. આ આઘાતના ત્રીજા જ દિવસે, રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ સાસુ જયાબેને પતિના આત્માને શાંતિ મળે તેવા બહાના હેઠળ પુત્રવધૂ સોનલનું માથા પર મુંડન કરાવીને કાળજું કંપાવી દેનારો અત્યાચાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન અને વકીલ જયંત પંડ્યાની આગેવાની હેઠળની વિશેષ ટીમે ધોરાજી, નવાગઢ અને જેતપુરની રૂબરૂ મુલાકાત લઈને તપાસ શરૂ કરી હતી. જાથાની સઘન તપાસમાં બહાર આવ્યું છે કે આ અમાનવીય કૃત્ય પાછળ અંધશ્રદ્ધા તો માત્ર મહોરું હતું, પરંતુ ખરો વિવાદ મિલકત સંબંધી ઝઘડાનો હતો.
પિતાના ઘરે આશરો લેવા મજબૂર બની સોનલ; મહિલા પોલીસ મથકે ગુનો દાખલ
સાસુ જયાબેનના સતત શારીરિક-માનસિક ત્રાસ અને જોહુકમીથી કંટાળીને ભોગ બનનાર સોનલ પોતાના બંને સંતાનો (દીકરી કુમકુમ અને દીકરો માન) ને લઈને રાજકોટ માયાણીનગર ખાતે રહેતા પિતા જગદીશભાઈ માંડવીયાના ઘરે આશરો લેવા મજબૂર બની હતી. આ મામલે સામાજિક સ્તરે સમાધાન કરવાના અનેક પ્રયાસો થયા, પરંતુ જિદ્દી સાસુએ પુત્રવધૂને મિલકત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને દીકરાને ધોરાજી સોંપવાની શરત મૂકી હતી. આખરે આર્થિક અને સામાજિક લાચારી વચ્ચે સોનલે ન્યાય મેળવવા માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ૯મી જૂન, ૨૦૨૬ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાસુ જયાબેન, સસરા ભાદાભાઈ અને નણંદ નિમિષાબેન વિરુદ્ધ નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫, ૧૨૩, ૫૪-એ તેમજ દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૩ અને ૪ હેઠળ ગુનો નોંધી કાયદાકીય તપાસ શરૂ કરી છે.
ભુવા-ભારાડીના ચક્કરમાં દીકરો ગુમાવ્યો; હવે વિજ્ઞાન જાથા સમક્ષ ભુલ સ્વીકારી
વિજ્ઞાન જાથાની તપાસમાં એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે સાસુ જયાબેન અને સસરા ભાદાભાઈ અંધશ્રદ્ધાના દૂષણમાં ડૂબેલા છે. દીકરા ચંદ્રેશને કેન્સર જેવી ગંભીર બીમારી હોવા છતાં, આધુનિક સારવાર કરાવવાને બદલે તેઓ પોતાના દેવના ભુવા અને ભુવા-ભારાડીઓના ચક્કરમાં પડ્યા હતા. વિજ્ઞાન જાથાની ટીમે પીડિત પક્ષ અને આરોપી પક્ષ સાથે લાંબી પૂછપરછ અને કાઉન્સેલિંગ કર્યું હતું. જાથાની કડક વલણ સામે આખરે સાસુ જયાબેન, સસરા ભાદાભાઈ અને નણંદ નિમિષાબેને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને જાથા સમક્ષ લેખિત માફીપત્ર આપીને ભવિષ્યમાં ક્યારેય આવું અમાનવીય કૃત્ય નહીં કરવાની ખાતરી આપી હતી. જાથાની ટીમમાં વકીલ હર્ષાબેન પંડ્યા, વકીલ ભાવનાબેન વાઘેલા, ભાનુબેન શેઠિયા સહિતના સભ્યોએ આ સામાજિક કુરિવાજને ડામવા ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : બિપીન રાઠોડ, ચલાલા (અમરેલી)
