મુખ્ય હાઇલાઇટ્સ:
- સોફ્ટવેરની ક્ષમતાનો પ્રશ્ન: ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મોટું હોવાથી ‘પ્રિશા’ સોફ્ટવેર લોડ સહન ન કરી શકતા વારંવાર બંધ થઈ જાય છે.
- બજેટ ખોરવાયું: રાજ્ય કક્ષાએથી નિયમિત ગ્રાન્ટ મળતી હોવા છતાં ટેકનિકલ ખામીને લીધે સમયસર પગાર ન થતાં શિક્ષકો આર્થિક મુશ્કેલીમાં.
- વૈકલ્પિક પોર્ટલની સફળતા: કર્મયોગી પોર્ટલના માધ્યમથી પ્રાયોગિક ધોરણે કરાયેલા પગાર સરળ અને સમયસર થયા હોવાનો દાવો.
- મંત્રીશ્રીને રજૂઆત: રાજ્યના નાણાં મંત્રી કમલેશભાઈ પટેલને રૂબરૂ મળીને ઓનલાઇન પદ્ધતિને વધુ સુદ્રઢ બનાવવા કરાઈ લેખિત રજૂઆત.
- મહા સંઘની આગેવાની: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીએ શિક્ષકોના હિતમાં ત્વરિત ઉકેલ લાવવા કરી માંગ.
‘પ્રિશા’ સોફ્ટવેર વારંવાર ખોટકાવવાને કારણે શિક્ષકો મુકાયા હાલાકીમાં

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના પગાર ઓનલાઇન કરવા માટે ઉપયોગમાં લેવાતું ‘પ્રિશા’ સોફ્ટવેર છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો અને વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બન્યું છે. આ સોફ્ટવેર વારંવાર ખોટકાઈ જવાના કારણે રાજ્યના હજારો શિક્ષકોનો પગાર સમયસર થઈ શકતો નથી, જેના લીધે શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ઘણા માસથી રાજ્ય સરકાર કક્ષાએથી નિયમિત રીતે પગારની ગ્રાન્ટ સમયસર ફાળવી દેવામાં આવે છે, છતાં પણ આ ટેકનિકલ ખામીને કારણે સમગ્ર રાજ્યમાં પગાર બિલ બનાવવામાં મોટી આડચણ ઊભી થઈ રહી છે.
સોફ્ટવેરની મર્યાદિત કેપેસિટીને કારણે શિક્ષકોનું આર્થિક બજેટ ખોરવાયું
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ તમામ વિભાગો કરતાં સૌથી મોટું છે. આ વિશાળ સંખ્યાને કારણે જ્યારે સોફ્ટવેરમાં એકસાથે પગાર બિલ જનરેટ (તૈયાર) કરવામાં આવે છે, ત્યારે સોફ્ટવેર તેની મર્યાદિત કેપેસિટી (ક્ષમતા) ના કારણે અથવા અન્ય અકળ ટેકનિકલ કારણોસર હેંગ થઈ જાય છે અથવા બંધ પડી જાય છે. તેના લીધે દર મહિને પગાર થવામાં મોટો વિલંબ થાય છે. સમયસર પગાર ન મળવાને કારણે શિક્ષકોનું ઘરનું આર્થિક બજેટ ખોરવાઈ જાય છે, બેંકના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય છે અને તેઓએ નકામું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
‘કર્મયોગી પોર્ટલ’ બની શકે છે શ્રેષ્ઠ વિકલ્પ, શિક્ષક સંઘની નાણાં મંત્રીને રજૂઆત
શિક્ષક સંઘના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા હાલમાં ‘કર્મયોગી પોર્ટલ’ ના માધ્યમથી પ્રાયોગિક ધોરણે એક તાલુકામાં પગાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અત્યંત સરળતાથી અને સમયસર પૂર્ણ થઈ શકી છે. આ સફળ પ્રયોગને ધ્યાને રાખીને, ટેકનોલોજીના આ આધુનિક યુગમાં શિક્ષકોના વિશાળ વર્ગને ન્યાય આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા અને મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલ દ્વારા આ બાબતે માનનીય નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘે માંગ કરી છે કે ઓનલાઇન પદ્ધતિને વધુ સક્ષમ બનાવવામાં આવે અથવા વૈકલ્પિક માધ્યમનો ઉપયોગ કરીને શિક્ષકોનો પગાર દર મહિનાની પહેલી તારીખે નિયમિત થાય તેવી ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે.
અહેવાલ : ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
