મુખ્ય હાઇલાઇટ્સ:
- લાંચખોરી પર પ્રહાર: ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ માંગનાર પટાવાળો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની જાળમાં ફસાયો.
- નક્કી કરેલી રકમ: મંજૂર થયેલા ટ્રસ્ટનું કીમતી પ્રમાણપત્ર અરજદારને સોંપવા માટે રૂા. ૫,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી.
- જાગૃત નાગરિકની પહેલ: અરજદાર ભ્રષ્ટાચાર સામે ઝૂકવા ન માંગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું.
- નવા પોલીસ સ્ટેશન સામે જ ધરપકડ: ઇણાજ ખાતે નવા બનતા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનની સામે જ રોડ પર લાંચ સ્વીકારતા આરોપી રંગેહાથ ઝડપાયો.
- ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન: જૂનાગઢ અને રાજકોટ વિભાગના એન્ટી કરપ્શન બ્યુરોના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સફળ ઓપરેશન પાર પડાયું.
ગીર સોમનાથની મદદનીશ ચેરિટી કમિશનર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક ઇણાજ ખાતેથી સરકારી તંત્રને લાલછણ કરતો ભ્રષ્ટાચારનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇણાજ સ્થિત મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષીય રાહુલભાઈ પુંજાભાઇ વંશને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એન્ટી કરપ્શન બ્યુરો) ની ટીમે રૂા. ૫,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવાના બદલામાં માંગી હતી લાંચ
આ કેસની વિગત એવી છે કે, આ કામના જાગૃત ફરિયાદીએ મદદનીશ ચેરિટી કમિશનરશ્રીની કચેરી, ગીર સોમનાથ ખાતે પોતાના એક સામાજિક ટ્રસ્ટની નોંધણી કરાવવા માટે કાયદેસરની અરજી કરેલી હતી. આ અરજી કચેરી દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવી હતી. જો કે, આ મંજૂર થયેલું ટ્રસ્ટ નોંધણીનું અસલ પ્રમાણપત્ર ફરિયાદીને આપવાના અવેજ પેટે કચેરીના કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ વંશે રૂા. ૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
નવા બનતા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશન સામે જ ગોઠવ્યું છટકું
ફરિયાદી પોતે જાગૃત નાગરિક હોય અને લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઇણાજ ખાતે નવા બનતા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનની સામે રોડ ઉપર જ લાંચનું આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી પટાવાળો રાહુલ વંશ ત્યાં આવ્યો હતો અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા. ૫,૦૦૦ ની માંગણી કરી તે સ્વીકારતા જ છુપાઈને ઉભેલી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે તેને આબાદ ઝડપી લીધો હતો.
અધિકારીઓની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી
એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આરોપી પાસેથી લાંચ પેટે સ્વીકારેલી રૂા. ૫,૦૦૦ ની પૂરેપૂરી રકમ સ્થળ પરથી જ રિકવર કરી લીધી છે. આ સફળ ટ્રેપની કામગીરી ગીર સોમનાથ એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. વાળા સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં જૂનાગઢ એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક શ્રી જે.ડી. મેવાડા સાહેબે સુપરવિઝન કર્યું હતું, જ્યારે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોના નાયબ નિયામક શ્રી બલદેવસિંહ વાઘેલા સાહેબ ઇનચાર્જ અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સરકારી બાબુઓની આવી લાંચખોરી સામે એન્ટી કરપ્શન બ્યુરોની આ કડક કાર્યવાહીથી ગીર સોમનાથ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અહેવાલ: મહેશભાઈ જળું
